રાજકોટ
રાજકોટ નજીક ઠેબચડા ગામે વીજ શોક લાગતા ભજનીક કાંતિભાઈ મગનદાસ દુધરેજીયા (ઉં.વ.૪૭)નું મોત નીપજ્યું છે. મૃતક તેમના સાળાના પત્નીનું અવસાન થયું હોવાથી પરિવાર સાથે કોઠારિયા સોલ્વન્ટ ખાતે રહેતા તેમના સાળાને ત્યાં હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠેબચડા પોતાના ઘરે ગયા નહોતા. બાદમાં તેઓ કપડા બદલવા ઘરે ગયા હતા અને તેમના ઘરના સભ્યો કોઠારીયા સોલ્વન્ટમાં હતા. ઘરે એકલા રહેલા કાંતિભાઈને રૂમમાં સ્વીચ બોર્ડમાંથી વીજ કરંટ લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. પાછળથી તેમના ઘરના સભ્યો ફોન કરતા હતા. પરંતુ કાંતિભાઈ ફોન ઉપાડતા ન હોવાથી કંઈક અજુગતુ બન્યાની શંકા જતા પરિવારના સભ્યોએ ગામના અન્ય એક વ્યક્તિને ફોન કરી ઘરે તપાસ કરવા જણાવ્યું હતું. આથી ગામના લોકો ઘરે જાેવા જતા કાંતિભાઈ બેભાન હાલતમાં રૂમમાં પડ્યા હોવાની તુરંત તેમને પરિવારને જાણ કરી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા. અહીં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા શોક છવાયો હતો. આજીડેમ પોલીસે હોસ્પિટલે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.


