કેપ
માથાભારે લોકોને રોકવાનું અમારું કામ નથી પોલીસનું છે : ધોરાજી મામલતદાર
હેડિંગ
બોલો, ધોરાજી-ઉપલેટા પંથકના ખનીજ માફિયાઓને મામલતદારનું ગજબનું પ્રોત્સાહન ??
પેટા
ધોરાજીના વેગડી ગામે ભાદર નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે લોકોનો સુત્રોચ્ચાર
રાજકોટ:ધોરાજી, તા.25
ધોરાજી પંથકમાં ભાદર નદીમાંથી બેફામ બેફામ રીતે થતી રેતી ચોરી બાબતે ધોરાજીના મામલતદારની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે.
ધોરાજીના વેગડી ગામના લોકોએ રેતી ચોરી અંગે મામલતદારને બોલાવ્યા ત્યારે મામલતદારે ગ્રામજનોને સાફ સંભળાવી દીધું હતું કે માથાભારે લોકોને રોકવાનું અમારું કામ નથી, પોલીસનું છે.
ત્યારે મામલતદાર પણ ખનીજ માફિયાઓથી કેટલા ડરે છે અથવા તો કેટલી મજબૂત સાઠગાંઠ છે ? તે પ્રજા સમક્ષ આવી ગયું છે. આવા સમયે વેગડીના લોકોએ ખનીજ માફિયાઓ વિરુદ્ધ સૂત્રોચાર પોકારીને રેતી ચોરી બંધ કરવાની માગણી કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાંથી પસાર થતી ભાદર નદીમાંથી ખનીજચોરો રોજ લાખો કરોડો રૂપિયાની રેતી ચોરી કરીને પોતપોતાના ગજવા ભરી રહ્યા છે. સરકારની તિજોરીમાં રાતી પાઈ પણ આવતી નથી.
આ બધું સરકારી તંત્રો જાણતા હોવા છતાં રેતી ચોરી અટકાવવા લેશમાત્ર પ્રયાસ થતો ન હોવાનો લોકોનો આક્ષેપ છે. ઘણી વખત અમોને ફરિયાદ મળી નથી તેવું સરકારી તંત્રો કહેતા હોય છે પરંતુ ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર નદીમાંથી થતી રેતી ચોરી બાબતે સરકારી તંત્રોને રૂબરૂ બોલાવાતા હોવા છતાં કોઈ અસરકારક પરિણામ ન આવતું હોવાનો રજૂઆત કરનારાઓનો આક્ષેપ છે.
તાજેતરની જ વાત કરીએ તો બે દિવસ પહેલા ધોરાજી તાલુકાના વેગડી ગામના લોકોએ ભાદર નદીમાંથી થતી ચોરી બાબતે જાણ કરીને રેતી ચોરી રોકવા માટે ધોરાજીના મામલતદારને રૂબરૂ બોલાવ્યા હતા. ત્યારે મામલતદાર દ્વારા લોકોને સહકાર આપવા ને બદલે જાણે રીતસરના ધમકાવ્યા હોવાનું સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયોમાં જોવા મળે છે.
ગામલોકોએ ધોરાજીના મામલતદારને કહ્યું હતું કે વેગડી ગામ પાસેથી પસાર થતી ભાદર નદી માંથી વર્ષોથી રેતીની ચોરી થાય છે. આ બાબતે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ આવતું નથી.
મામલતદારની સામે જ રેતી ચોરી કરતા તેમજ રેતી ભરીને જતા વાહનો બતાવાયા હતા છતાં મામલતદાર આ બાબતે કોઈ પગલાં ભરવાના બદલે રજૂઆત કરનાર લોકોને ધમકાવતા કહ્યું હતું કે “બહુ હોશિયારી ના કરો માથાભારે લોકો ને રોકવાનું મારું કામ નથી પોલીસનું છે !!”
ત્યારે મામલતદાર પણ ખનીજ માફિયાઓથી કેટલા ડરી રહ્યા છે? તે વાતનો નમુનો લોકો વચ્ચે આવી ગયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે ખનીજ માફિયાઓને અંકુશમાં લેવા માટે ધોરાજી તેમજ ઉપલેટાનું સરકારી તંત્ર વામણું સાબિત થઇ રહ્યું છે.
લાગતા વળગતા ઉચ્ચ સત્તાધીશો કોઈ પગલાં ભરે તો જ ધોરાજી, ઉપલેટા પંથકમાંથી રેતી ચોરીનો કારોબાર બંધ થઈ શકે તેમ છે.
બોક્સ :
ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે જેવી ધોરાજીના મામલતદારની નીતિ
ધોરાજી તાલુકાના વેગડી ગામના લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેઓના ગામ નજીકથી પસાર થતી ભાદર નદીમાંથી રેતી ચોરી રોકવા બાબતે ધોરાજીના મામલતદારને રૂબરૂ બોલાવાયા હતા.
પરંતુ ધોરાજીના મામલતદાર દ્વારા રજૂઆત કરનારાઓને કે ગ્રામજનોને જરા પણ સાથ અને સહકાર અપાયો ન હતો. આ તકે “ઊલટા ચોર કોટવાલ કો દંડે” તેવી નીતિ મામલતદાર દ્વારા સાબિત કરવામાં આવી હતી.
જાગૃત લોકો કહે છે કે ખરેખર મામલતદાર એટલે સમસ્ત તાલુકાના મેજિસ્ટ્રેટ કહેવાય તેઓ ધારે તો તાત્કાલિક ખનીજચોરી રોકીને તમામ વાહનો કબજે કરી શકે છે. પરંતુ આમ કરવાને બદલે મામલતદાર ખનીજ માફિયાઓને માથાભારે તત્વો ગણાવ્યા હતા અને આવા માથાભારે લોકો ને રોકવાનું તેમનું નહીં પણ પોલીસનું કામ હોવાનું જણાવતા ત્યાં ઉપસ્થિત રજૂઆત કરતા લોકો આશ્ચર્ય પામ્યા હતા.
બોક્સ : રેતી ચોરી અટકાવવા પગલાં ભરાશે..ડે. કલેક્ટર
ઉપલેટાના ધોરાજીની પંથકમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાની ફરિયાદ બાબતે સ્થાનિક ડેપ્યુટી કલેક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે અખબારી માધ્યમો દ્વારા તેમજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તેઓને રેતી ચોરી અટકાવવા માટે સૂચના મળી છે. તે અનુસંધાને તેઓ લગત વિભાગો અને મામલતદારને સુચના આપીને રેતી ચોરી અટકાવવા પ્રયાસ કરશે.
બોક્સ : તાત્કાલિક દરોડા પાડવામાં ખચકાતા સરકારી તંત્રો
ધોરાજી થી ઉપલેટા પંથકમાં જાગૃત લોકો કહે છે કે જ્યારે કોઈપણ ગેરરીતિ થતી હોય તેમજ સરકારને નુકસાન કરીને ખનીજ ચોરી થતી હોય અને આ બાબતે મામલતદાર ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં તેમજ વિડીયો મારફતે ફરિયાદ કરવામાં આવે ત્યારે તાત્કાલિક આવી ખનીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવે છે. પરંતુ જ્યારે જ્યારે આવી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે ત્યારે સરકારી તંત્રો એકાબીજા ને જવાબદારી સોંપવા માટે કાર્યવાહી કરવાના માત્ર બણગા ફૂંકે છે.
આનો અર્થ થાય છે કે ખનીજ માફિયાઓએ સરકારી તંત્રોને તમામ રીતે સાધી લીધા હોવા જોઈએ. કારણકે સરકારી તંત્ર દ્વારા ફરિયાદ પછી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જાગૃત લોકો એવું પણ કહ્યું કે ધોરાજી ઉપલેટા પંથકમાં આજે નદીમાંથી રેતી ચોરતા ખનીજ માફિયાઓ ભારે માથાભારે છે તેમજ અવાર નવાર ગમે તેના ઉપર હુમલો કરવા ટેવાયેલા છે. ત્યારે કદાચ આવો ડર સત્તાવાળાઓને સતાવતો હોવો જોઈએ એટલે તેઓ દરોડા પાડતા નથી.
બોક્સ : કલેકટરના આદેશને ઘોળીને પી જવાયો
પાટણવાવના તલંગણા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી માંથી આજની તારીખે પણ રેતી ચોરી થઈ રહી છે.
આ બાબતે રજૂઆત થતાં જે તે સમયે કલેકટર દ્વારા લાગતા વળગતાને આદેશ કરવામાં આવ્યો હતો કે રેતી ચોરી અટકાવવામાં આવે. પરંતુ કલેકટરના આદેશને ઘોળીને પી જવાયો હોય તેમ આજની તારીખે પણ રેતી ચોરી ચાલુ હોવાનું જાગૃત લોકો કહે છે. લોકોમાં એવા પણ પ્રશ્નો ઉઠ્યા છે કે કલેકટરના આદેશને અવગણવામાં કયું પરિબળ કામ કરે છે ? સત્તાધીશો ખનીજ માફિયાઓથી ડરે છે કે ખનીજ માફિયાઓએ સત્તાધિશોને ખરીદી લીધા છે ??તે રામ જાને !!
હરેશ ભાલીયા જેતપુર


