વલસાડ
ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખ દેગીશ સુનીલભાઇ આહીરની બહેનના લગ્ન પારડી હાઇવે પર આવેલા એક પાર્ટી પ્લોટમાં ધરમપુર એપીએમસીના ચેરમેન જીવાભાઇ આહીરના ભાઇના છોકરાની સાથે યોજાયા હતા. લગ્ન સમારોહમાં કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા સ્પષ્ટ જાેવા મળ્યા હતા. પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચ્યા હતા, આથી સવાલો થઇ રહ્યા છે કે શું પારડી પોલીસને આ શાહી લગ્ન દેખાતા નથી. નિયમો ઘડતા નેતાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હતા. ત્યારે પોલીસતંત્ર ઘોરનિદ્રામાં જાેવા મળ્યું હતું. આ ઉપરાંત વરઘોડો નેશનલ હાઇવે નંબર ૪૮ પર સર્વિસ રોડ પર નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. થોડા સમય અગાઉ વલસાડમાં કર્ફ્યૂ ભંગમાં નવવધૂને આખી રાત પોલીસ સ્ટેશનનમાં વિતાવવી પડી હતી, એવી સખત કાર્યવાહી પોલીસે કરી હતી. અહીં સવાલો ઊભા થાય છે કે સામાન્ય માણસને માસ્ક કે કર્ફ્યૂ ભંગમાં દંડતી પોલીસ નેતાઓનાં આયોજનોમાં કેમ ચૂપ રહે છે? શુ નિયમો માત્ર પ્રજા માટે જ હોય છે. નેતાઓ માટે નહીં? આવા એક નહીં, અનેક સવાલો છે, પણ એના કોઇ જવાબ નથી.એક તરફ સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ નેતાઓ પોતાનાં આયોજનોમાં કોરોના ગાઇડલાઇન્સનો ખુલ્લેઆમ ભંગ કરે છે છતાં પોલીસતંત્ર ચૂપચાપ જાેયા કરે છે. પારડી તાલુકાના ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખ દેગીશ સુનીલભાઈ આહીરની બહેનના લગ્નમાં કોરોના નિયમોને ઘોળીને પી જનારાનાં દૃશ્યો સામે આવ્યાં છે.


