અમદાવાદ
રાજ્યમાં હાલ પીએસઆઈ અને એલઆરડીની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી હાલ ૨૯મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. જ્યારે હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. પીએસઆઈની લેખિત પરીક્ષા ૬ માર્ચ ૨૦૨૨ના રોજ યોજાશે. પીએસઆઈ ભરતી બોર્ડના ચેરમેન દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. પો.સ.ઇ. કેડરની શારીરિક કસોટીમાં ઉર્તિણ થયેલ તમામ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.૬/૩/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલું છે. પ્રીલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જાેતી રહેવી. પીએસઆઈ અને એલઆરડી બંનેની શારીરિક કસોટી વારાફરતી યોજાઈ હતી. જેમાં ૩ ડિસેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા ૨૯ જાન્યુઆરી સુધી ચાલી હતી. જેમાં પીએસઆઈ માટે ૪.૫૦ લાખમાંથી ૯૬,૨૪૩ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. હવે આ ઉમેદવારો માર્ચ મહિનામાં યોજાનારી લેખિત કસોટી માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. પીએસઆઈમાં ૧૩૮૨ પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ૨૦૨ જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે ૯૮ જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની ૭૨ જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) ૧૮, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) ૯, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) ૬૫૯, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) ૩૨૪ જગ્યા છે. આ પ્રકારે કુલ ૧૩૮૨ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે ૪ લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
