મૃત્યુલોકમાં પ્રાણી એકલો જન્મ લે છે અને એકલો જ મરણ પામે છે.જન્મ પછી મળેલ અને ઉપાર્જિત કરેલ ધન-વૈભવ અહી જ છોડીને જવું ૫ડે છે,મિત્ર અને સ્વજનો શ્મશાન સુધી જ સાથ આપે છે. આ પાંચ ભૌતિક શરીરને અગ્નિને સમર્પિત કરવામાં આવે છે.ફક્ત પાપ અને પુણ્ય જ જીવની સાથે જાય છે,જે એકલા જ ભોગવવા પડે છે.શરીર અને ગુણ(પુણ્યકર્મ) વચ્ચે ઘણું જ અંતર છે કારણ કે શરીર તો થોડા દિવસ સુધી જ રહે છે પરંતુ ગુણો પ્રલયકાળ સુધી જીવની સાથે રહે છે.જેના જીવનમાં ગુણ અને ધર્મ જીવિત છે તે જ વાસ્તવમાં જીવન જીવી રહ્યો છે.
વેદોમાં જે કર્મોનું વિધાન છે તે ધર્મ(પુણ્ય) છે અને તેનાથી વિ૫રીત કર્મ અધર્મ(પાપ) કહેવાય છે.મનુષ્ય એક દિવસમાં કે એક ક્ષણમાં જે પુણ્ય કે પાપ કરે છે તેનું ફળ હજારો વર્ષમાં ૫ણ પુર્ણ થતું નથી.મનુષ્યના કર્મોના ચૌદ સાક્ષીઓ છે.સૂર્ય અગ્નિ આકાશ વાયુ ઇન્દ્રિયો ચંદ્દમા સંન્ધ્યા રાત-દિવસ, દિશાઓ,પાણી,પૃથ્વી,કાળ અને ધર્મ..આ તમામ મનુષ્યોના કર્મોના સાક્ષી છે.સૂર્ય રાત્રે અને ચંદ્રમા દિવસે હોતો નથી.અગ્નિ ૫ણ ચોવીસ કલાક પ્રજ્વલિત રહેતી નથી.રાત દિવસ અને સંન્ધ્યા આ પૈકી કોઇ એક ચોવીસ કલાક હોતા નથી.દિશાઓ,પૃથ્વી,પાણી,વાયુ અને આકાશ હંમેશાં રહે છે.મનુષ્ય તેને છોડીને ભાગી શકતો નથી,તેનાથી છુપાઇ શકતો નથી.મનુષ્યની ઇન્દ્રિયો,કાળ અને ધર્મ હંમેશાં તેની સાથે રહે છે.કોઇપણ કર્મ કોઇને કોઇ ઇન્દ્રિય દ્વારા ગમે તે સમયે થાય છે.આ કર્મનો પ્રભાવ મનુષ્યના ગ્રહ નક્ષત્રો તથા પાંચ મહાભૂત ૫ર ૫ડે છે.મનુષ્ય જ્યારે કોઇ ખરાબ કર્મ કરે છે તો ધર્મદેવ આ ખરાબ કર્મની સૂચના આપે છે અને તેનો દંડ મનુષ્યને ભોગવવો પડે છે.
પૃથ્વી પર જે મનુષ્ય-દેહ છે તેમાં એક હદ સુધી જ સુખ કે દુઃખ ભોગવવાની ક્ષમતા છે.જે પુણ્ય કે પાપ પૃથ્વી પર કોઇ મનુષ્ય દેહના દ્વારા ભોગવવાં સંભવ નથી તેનાં ફળ જીવને સ્વર્ગ કે નરકમાં ભોગવવાં પડે છે.પાપ કે પુણ્ય જ્યારે ભોગવવાના રહી જાય છે અને તે ભોગવવાં પૃથ્વી પર સંભવ હોય છે ત્યારે તે જીવને પૃથ્વી ઉપર કોઇ દેહમાં જન્મ લેવો પડે છે.કર્મોના અવશેષ ભાગને ભોગવવા માટે મનુષ્યને મૃત્યુલોકમાં સ્થાવર જંગમ યોનિ પ્રાપ્ત થાય છે.આ તમામ ભોગ યોનીઓ છે.
વૃક્ષયોનિમાં લાંબા સમય સુધી શરદી-ગરમી સહન કરવી પડે છે.જો કીટયોનિ પ્રાપ્ત થાય તો પોતાનાથી બળવાન પ્રાણીઓ દ્વારા આપવામાં આવેલ પીડાને સહન કરવી પડે છે,ઠંડી-ગરમી અને ભૂખનું દર્દ સહન કરીને મળ-મૂત્રમાં વિચરણ કરી દારૂણ દુઃખ સહન કરે છે.પશુ યોનિમાં અન્ય બળવાન પશુ દ્વારા પીડા પહોંચાડવામાં આવે છે.પક્ષીની યોનિમાં ક્યારેક વાયુનો આહાર તો ક્યારેક અપવિત્ર વસ્તુઓ ખાવી પડે છે.
માતા-પિતાને દુઃખ આપનારને કાચબાની,મિત્રનું અપમાન કરનારને ગધેડાની,છળકપટ કરનારને વાંદરાની,કોઇએ પોતાની અમાનત સાચવવા આપી હોય તે પચાવી પાડે તેને કીડાની,વિશ્વાસઘાત કરનારને માછલીની,વિવાહ વગેરે શુભકર્મોમાં વિઘ્ન નાખનારને કૃમિની,જે દેવતા,પિતૃઓ અને બ્રાહ્મણ (બ્રહ્મજ્ઞાની સંતો)ને ભોજન કરાવ્યા વિના ભોજન કરે છે તેને કાગડાની યોનિ પ્રાપ્ત થાય છે.
ચૌરાશી લક્ષ યોનિઓમાં ભ્રમણ કરીને મહાન પુણ્યના ફળસ્વરૂપ મનુષ્ય યોનિ મળે છે.મનુષ્ય યોનિમાં જે ગરીબ કે શારીરીક બિમારી સાથે જ જન્મે છે તેને ઘણું જ કષ્ટ ભોગવવું પડે છે એટલે દુર્લભ મનુષ્ય જન્મ મળ્યા પછી સંસારબંધનથી મુક્ત થવા એક પ્રભુ પરમાત્માને જાણીને તેમની ભક્તિ,સેવા સુમિરણ સત્સંગ કરવાં જોઇએ.
મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી.કર્મથી પાપ-પુણ્ય બંન્ને મળશે પરંતુ જે મનુષ્ય તમામમાં ભગવત દ્રષ્ટિ રાખીને સેવા કરે છે,તેમની આજ્ઞાનું પાલન કરે છે અને ફક્ત ભગવાનની પ્રસન્નતાના માટે જ કર્મ કરે છે તેમના કર્મ અકર્મ બની જાય છે અને તે સંસારમાં રહેવા છતાં મુક્ત થઇ જાય છે.
અંતે મતિ સો ગતિ..અંતિમ ઇચ્છા કે વાસના અનુસારની ગતિ પ્રાપ્ત થાય છે એટલે જે રાગ-દ્રેષ, લોભ કે મોહના આકર્ષણમાં ફસાઇને દેહ ત્યાગ કરે છે તે આસપાસ જ પ્રેત બનીને ભટકતો રહે છે અને અનેક યાતનાઓ ભોગવે છે.
તમામના નિર્માતા જ્યોત્તિ સ્વરૂ૫ પરમેશ્વરની સૃષ્ટ્રિમાં તમામ મનુષ્ય પોતપોતાના કર્તવ્ય કર્મ અને ત્યાગભાવથી કરેલા કર્મોથી માનવ લિપ્ત બનતો નથી.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે,એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


