Gujarat

મહિલાઓ માટે આશીર્વાદ રૂપ જામનગરના “સખી વન સ્ટોપ સેન્ટર”ના ત્રણ વર્ષ પૂર્ણ

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ૩ વર્ષમાં ૬૩૩ પીડિત મહિલાઓનું તેમના પરિવારમાં કરાવાયું પુન:સ્થાપન

 

જામનગર તા, ૨૦ જૂન, “સખી” શબ્દ સાંભળીને કે વાંચીને આપણને લાગે કે આ કોઈ ક્લબ અથવા તો મંડળ હશે કાં તો સ્ટોપ સેન્ટર વાંચીને એવું લાગે કે આ કોઈ બસ સ્ટોપ કે રેલ્વે સ્ટેશનની વાત હશે. પરંતુ આપણી આ ધારણા ત્યાં ખોટી ઠરે છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા આ એક એવું સેન્ટર કાર્યરત છે કે જ્યાં મહિલાઓ પર થતા કોઈપણ પ્રકારના અત્યાચાર માટે આ એક જ સ્થળેથી તમામ પ્રકારની સુવિધા મળી રહે અને જે ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડે તે કેન્દ્ર એટલે જામનગરનું “સખી” વન સ્ટોપ સેન્ટર.

આજે દુનિયાભરમાં મહિલાઓ સામે થતા અત્યાચારોને અટકાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે અને આવા જ ઉમદા હેતુથી સરકાર દ્વારા દેશના દરેક જિલ્લામાં “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરેલ છે.આમ આ સેન્ટર પર મહિલાઓને એક જ છત નીચે કોઈ પણ નાત-જાત, જ્ઞાતી-ધર્મના ભેદભાવ વગર ટૂંકા ગાળા માટે આશ્રય, કાઉન્સેલિંગ, પોલીસ સહાય, તબીબી સહાય તથા કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે. મહિલાઓની સમસ્યાઓને દુર કરવા માટે જામનગરમાં છેલ્લા 3 વર્ષથી મેન્ટલ ક્વાર્ટર, વિકાસ ગૃહ રોડ ખાતે આ સેન્ટર કાર્ય કરી રહ્યું છે.

આ સેન્ટરમાં ૩ વર્ષ દરમિયાન કુલ ૭૮૧ કેસ આવેલ છે જેમાંથી ૬૩૩ કેસોમાં સમાધાન કરાવી મહિલાઓને તેમના પરિવારમાં પુન:સ્થાપન કરાવવામાં આવેલ છે. કોરોના કાળમાં લોક્ડાઉન દરમિયાન જામનગરમાં ફસાઈ ગયેલી મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપી તેમના પરિવાર સુધી પંહોચાડવાની ઉદાહરણ રૂપ કામગીરી સેન્ટરે કરેલ હતી. સાથે સાથે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.

આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત છે અને તાલીમ પામેલ ટીમ દ્વારા પીડિત મહિલાઓને સેવાઓ આપવામાં આવે છે. આ સેન્ટર પર ૧૮૧ મહીલા હેલ્પ લાઈન, પોલીસ  કે અન્ય સ્વૈચ્છિક સંસ્થા તેમજ સ્વેચ્છાએ રાત્રીના સમયે કે ગમે ત્યારે કોઈ પણ મહિલા એકલી મળી આવે કે કોઈ પણ પ્રકારના અત્યાચારના ભોગ બની હોય તો અહીં આવી શકે છે. મહિલાની ઈચ્છા જાણી તેને તમામ જરૂરિયાત મુજબ સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તેને માનસિક સાંત્વના આપવામા આવે છે. આમ કહી શકાય કે પીડિતા મહિલા માટેનું રક્ષાકવચ બની સખી વન સ્ટોપ સેન્ટર કાર્ય કરે છે.

નોડલ ઓફિસર ડો. ચંદ્રેશ ભાંભી સાહેબના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર જામનગરમાં ૩ વર્ષથી કાર્ય કરી અને આજ તા.૨૦-૬-૨૦૨૨ના રોજ ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. અને દરેક પીડિતા બહેનોની સમસ્યાનું હકારાત્મક સમાધાન થાય તેવા પ્રયાસો સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

SAKHI-ONE-STOP-CENTER-PHOTOS-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *