Gujarat

વડતાલધામમાં ૨૫ ફૂટની મોટી પિચકારીથી રંગોત્સવ મનાવાશે

નડિયાદ
વડતાલ મંદિરમાં રંગોત્સવ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રંગોત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણને કારણે રંગોત્સવની ફિકી ઉજવણી થઈ હતી, પરંતુ ચાલુ વર્ષે આ ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી થનાર હોવાથી તેને લગતી સંપૂર્ણ તૈયારીઓ શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં થઈ રહી છે?. રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે. ભગવાન શ્રીહરિ, વડતાલ જ્ઞાનબાગમાં સંતો- હરિભકતો સાથે રંગે રમ્યા હતા. તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં ખૂબ જ ભાવભેર ઉજવાય છે. પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. આ રંગોત્સવમાં ૫ હજાર કિલો રંગબેરંગી ગુલાલ તથા ૧૦૦૦ કિલો ધાણી-ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવશે. દેવોને કેસુડાનો વિશેષ શણગાર કરવામાં આવશે. ઉપરાંત વિવિધ પીચકારીઓનો પણ શણગાર કરવામાં આવશે. સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારવામાં આવશે. અક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલા વિશાળ ચોકમાં ૫૦ બાય ૮૦નો વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો છે. ત્રણ વિવિધ પિચકારી તથા ૨૫ ફૂટની મોટી પિચકારીથી રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, સૌરભપ્રસાદજી તથા સંતો હરિભક્તોને કેશુડાના રંગથી રંગોત્સવ ઉજવશે. આ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી, ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી – મેતપુર, શુકદેવ સ્વામી- નાર તથા અન્ય સંતો મહંતો તેમજ સુરત, મુંબઈ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, રાજકોટ અને કાનમ વાકળ સહિત ચરોતરના ભક્તજનો ઉપસ્થિત રહેશે.અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં ફાગણી પૂનમની આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજજીની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે એસજીવીપી ગુરુકુળના માધવપ્રિય દાસજી સ્વામી સવારે ૮ થી ૧૧ કલાક દરમિયાન રંગોત્સવ કથાનો લાભ આપશે, તેમ મંદિરનાં મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *