નડિયાદ
થોડા દિવસ નડિયાદ તાલુકાના વડતાલ ગામે જુના બસ સ્ટેન્ડ પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી મુદ્દામાલ ચોરી કરવાનો બનાવ બન્યો હતો. સુરતના મિત્રો કાર લઈને વલ્લભવિદ્યાનગર ખાતે એલ એલ એમની પરીક્ષા આપવા આવ્યા હતા. આ દરમિયાન વડતાલ ખાતે રોકાણ કર્યું હતું. ગત ૨૭મી માર્ચના રોજ સમી સાંજના સુમારે વડતાલ સ્વામિનારાયણ મંદિરના જુના બસ સ્ટેન્ડ વાળા પાર્કિંગમાં પાર્ક કરેલી કાર નંબર (જીજે ૩ જેસી ૫૪૬૬)ના કાચ તોડી ગઠિયાએ તેમાંથી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેમાં એક યુવાન ઈનોવા કાર લઈને અહીં આવ્યો હતો અને તેણે આ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ બનાવ સંદર્ભે કાર માલિકે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ઈનોવા ગાડીને ટ્રેસ કરાઇ હતી. આ ઉપરોક્ત ઈનોવા કાર નંબર (જીજે ૬ એફસી ૩૮૦૬) માલિક આણંદના રહેવાસી અકિલભાઈ સલીમભાઈ વ્હોરાની હોવાનું જાણવા મળતાં પોલીસે ઘરે તપાસ આદરી હતી. આ દરમિયાન તેઓ ઘરે મળી આવેલ નહીં. બીજી તરફ નેત્રમાં કમાન્ડ કંટ્રોલ નડિયાદના સીસીટીવીમાં ઉપરોક્ત કાર કેદ થઇ હતી. આથી સર્વેલન્સ પોલીસની ટીમે ઉપરોક્ત ગાડીને નડિયાદમાંથી ઝડપી પાડી ચાલક અકિલભાઈ સલીમભાઈ વ્હોરા (રહે.નરસંડા, ઇન્દિરાનગરી,તા.નડિયાદ)ની ધરપકડ કરી હતી. પોલીસે પૂછતાછ કરતા તેણે ઉપરોક્ત થયેલી ચોરીની કબુલાત કરી હતી અને પોલીસ તપાસમાં આ તમામ મુદ્દામાલ તેના ઘરેથી રીકવર કરાયો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા ૧૦,૦૦૦ તથા એક મોબાઇલ ફોન ઈનોવા ગાડી તથા આરોપીના મોબાઇલ ફોન તેમજ ચાર બેગોમાં કપડાં તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અકિલભાઈ સલીમભાઈ વ્હોરા અગાઉ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સેવાલીયા પોલીસ સ્ટેશન તથા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ રીતના ગુનામાં પકડાયેલો છે. આરોપી પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી સરસામાન ચોરી કરવાની ટેવ વાળો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.નડિયાદના વડતાલમાં થોડા દિવસ અગાઉ કારના કાચ તોડી બેગ તથા રોકડ રૂપિયા અને મોબાઇલ ફોનની ઉઠાંતરી કરનારા ગઠિયાને નડિયાદમાથી ઝડપી લેવાયો છે. ચકલાસી પોલીસે આ આરોપીને ઝડપી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી અગાઉ નડિયાદ ટાઉન સેવાલીયા તથા આણંદ ટાઉનમાં આ રીતે પાર્ક કરેલી ગાડીના કાચ તોડી તેમાંથી મુદ્દામાલ ચોરી કરવાના ગુનામાં પણ પકડાયેલો છે.
