વડોદરા
ઉનાળાની ઋતુના પ્રારંભ સાથે આગ ઓકતી ગરમીની શરૂઆત થઈ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે સૂચના પણ જારી કરવામાં આવી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા બોર્ડની પરીક્ષા આપવા માટે જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે સ્કૂલ બહાર તંબુ કે પાણીની કોઈ વ્યવસ્થા ન કરાતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવીને અજુગતું પગલું ભરી દેતા હોવાની ઘટનાઓ સામે આવી છે. પરિણામે વાલીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન પોતાના બાળકો ખરાબ પેપર જવાના કારણે ડિપ્રેશનમાં આવીને અજુગતું પગલું ન ભરે તે માટે પોતાના નોકરી-ધંધાના સ્થળોમાં રજા મૂકી દે છે. અને પરીક્ષા આપીને પોતાનું સંતાન રૂમની બહાર પરત ન આવે ત્યાં સુધી સ્કૂલની બહાર ધોમધખતા તાપમા ઉભા રહે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાછલા વર્ષોમાં બોર્ડની પરીક્ષા દરમિયાન સ્કૂલની બહાર વાલીઓ માટે તંબુ તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. પરંતુ, આ વખતે કોર્પોરેશન દ્વારા સ્કૂલોની બહાર તંબુ કે પાણીની વ્યવસ્થા કરવામાં ન આવતા વાલીઓની હાલત કફોડી બની ગઈ છે અને વાલીઓને ધોમધખતા તાપમાં ઉભા રહેવાનો વખત આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીએ માઝા મૂકી છે અને હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની કરેલી આગાહીના પગલે લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે. પરંતુ, બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓને અંગ દઝાડતી ગરમીમાં પણ પોતાના સંતાન માટે સ્કૂલોની બહાર ધોમધખતા તાપમાં પરસેવો લુછતા લુછતા સમય પસાર કરવાનો વખત આવ્યો છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, વડોદરા કોર્પોરેશન દ્વારા આ વખતે સ્કૂલોની બહાર વાલીઓ માટે તાપથી બચવા માટે તંબુ તેમજ પાણીની સુવિધા ન કરતા વાલીઓને ધોમ ધખતા તાપમાં બેસવાનો વખત આવ્યો છે.


