રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના શેખપાટ ગામે રૂ. ૨૭.૪૫ લાખના ખર્ચે રૂપારેલ નદી પર નિર્માણ પામનાર ૯૫ મીટર લંબાઈના કોઝ-વે અને ગામમાં રૂ. ૫ લાખના ખર્ચે મજૂર કલ્યાણ કેન્દ્રનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશ સતત વિકાસની કેડી કંડારી રહ્યો છે. ખીમરાણા અને શેખપાટ ગામોની વચ્ચે રૂપારેલ નદી પર નવો મજબૂત કોઝ-વે બનવાથી આજુબાજુના ગામોના લોકોને ચોમાસાની ઋતુમાં અવર જવર કરવામાં મુશ્કેલી પડશે નહિ. મજૂર કલ્યાણ કેન્દ્ર બનવાથી ગામના ખેડૂતોને તેમજ શ્રમિકોને સહાય મેળવવામાં મુશ્કેલી પડશે નહિ.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાંતિભાઈ કણજારિયા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કે.બી. ગાગિયા, શેખપાટ ગામના સરપંચ શ્રી મનસુખભાઈ ચાવડા, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.


