સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા મહુવા રોડ માર્કેટ યાર્ડ પાસે આવેલું ફાટક નંબર ૬૪ લગભગ પ્રતિદિન ૪૦ થી વધુ ટ્રેનો (ગુડ્ઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેન) પસાર થતી હોવાથી અવારનવાર બંધ રહે છે. અને માત્ર થોડી મિનિટો પણ આ ફાટક બંધ રહેતાં ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. આ સંદર્ભે વર્તમાનપત્રોમાં પણ અવારનવાર સમાચાર હેડ લાઈન બને છે. આ સંદર્ભે આ ફાટક પર ઓવર બ્રિજ કે અંડરબ્રીજ તો હવે સપના જેવું લાગે છે.!!!પરંતુ રેશમી નહીં તો કોઈ વાત નહીં ફાટેલો તૂટેલો એક રૂમાલ તો આપો..!! એ ન્યાયે પણ આ ફાટક પાસે બંને તરફ માર્કેટ યાર્ડ અને શહેરની શ્રેષ્ઠ નિશુલ્ક હોસ્પિટલ આવેલી હોય દર્દીઓ, વેપારીઓ અને સામે પાર પણ મોટો રહેણાંક વિસ્તાર હોય સહેજ વાર પણ ફાટકબંધ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળે છે. પછી જ્યારે ફાટક ખુલે ત્યારે બંને તરફથી વાહનોનો ધસમસતો પ્રવાહ શરૂ થાય છે. પરિણામે વાહનો એકબીજા સાથે ઘસાવા કે અથડાવાની સંભાવના પણ પ્રબળ બને છે. આ સંદર્ભે ઓવર બ્રિજ કે અંડરબ્રીજ તો છોડો આ ફાટકને થોડું પહોળું બનાવવામાં આવે તો પણ આ ફાટક ક્રોસ કરવામાં ઘણી સરળતા રહે.ઈનકમિંગ આઉટગોઈંગ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આમ તો ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકો સાથે મહિલાઓને વાહન ક્રોસ કરવા માટે પરસેવો ઉતરી જાય છે. તો કંઈ નહીં તો પણ યુધ્ધના ધોરણે આ ફાટકને પહોળું કરવા માટે પણ લોકમાંગ ઉઠવા પામી છે..

