શિક્ષણ સંસ્થાઓ વધુ મજબૂત બને તે માટે સમાજોપયોગી કાર્યોમાં જન સમુદાયની ભાગીદારી આવકાર્ય છે
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
જામનગર તા.૨૮ ફેબ્રુઆરી, જામનગરના ધુંવાવ ખાતે આવેલ સી.આર. મહેતા વિનય મંદિર હાઇસ્કુલના અદ્યતન બિલ્ડિંગનું કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.
આ તકે, મંત્રીશ્રીએ શાળાની કન્યા કેળવણી માટેની પ્રવૃત્તિને બિરદાવી હતી તેમજ કહ્યું હતું કે, વિનય મંદીર હાઇસ્કુલ ખાતે ધુંવાવ, ખીમરાણા અને ખીજડીયાના બાળકોને ઉત્તમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મળી રહ્યું છે. તેના પરિણામે જ બોર્ડમાં પણ આ શાળાના બાળકોનું પરિણામ ખૂબ સારું અને ઉંચું આવે છે.આવી શિક્ષણ સંસ્થાઓ ઘર બેઠા ગંગા સમાન છે, ત્યારે શિક્ષણ સંસ્થાઓ વધુ મજબૂત બને, બાળકોને ઘર આંગણે વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ મળે તે માટે સમાજોપયોગી કાર્યોમાં જનસમુદાયની ભાગીદારી પણ આવકાર્ય છે.
મંત્રીશ્રીએ શાળાની મુલાકાત લઈ શાળા માટે અથાગ પ્રયત્ન કરી ૩૦ લાખનું અનુદાન એકત્રિત કરનાર નિષ્કામ ચેરીટેબલ ટ્રસ્ટ અને આ માટે સતત કાર્યરત એવા શાળાના શિક્ષક શ્રી સાગરભાઇ રાણીંગાની પ્રસંશા કરી હતી.
આ પ્રસંગે ડી.ઈ.ઓ ઓફિસ જામનગરના શ્રી મધુબેન ભટ્ટ, ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના માનદ મંત્રી શ્રી કિર્તીભાઇ ફોફરીયા, સરપંચ શ્રી કાનભાઈ, હસમુખભાઈ કણઝારીયા, મહેશભાઈ મુંગરા, વિઠ્ઠલભાઈ, રાજેશભાઈ મહેતા, શાળાના આચાર્યશ્રી ધકુબેન મકવાણા શિક્ષકગણ તથા બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

