મુંબઈ
આઈપીએલ-૨૦૨૨ના ૪૯માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નઈ સુપર કિંગ્સને ૧૩ રને પરાજય આપ્યો છે. સતત ત્રણ હાર બાદ બેંગલોરની ટીમને જીત મળી છે. આ જીત સાથે આરસીબીની ટીમે ૧૨ પોઈન્ટ સાથે ટેબલમાં ચોથુ સ્થાન મેળવી લીધુ છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૦ રન બનાવી શકી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં ૫૭ રન જાેડ્યા હતા. આરસીબીને પ્રથમ ઝટકો ૬૨ રનના સ્કોર પર લાગ્યો હતો. ફાફ ૩૮ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેક્સવેલ ૩ રન બનાવી રનઆઉટ થયો હતો. વિરાટ કોહલી ૩૩ બોલમાં ૩૦ રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. રજત પાટીદારે ૨૧ રનનું યોદગાન આપ્યું હતું. મહિપાલ લોમરોર ૨૭ બોલમાં ૩ ફોર અને ૨ સિક્સ સાથે ૪૨ રન બનાવી તીક્ષ્ણાનો શિકાર બન્યો હતો. દિનેશ કાર્તિકે અણનમ ૨૬ રન બનાવ્યા હતા. શાહબાઝ ૧ રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં સારી શરૂઆત કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરી હતી. રુતુરાજ ગાયકવાડ ૨૮ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રોબિન ઉથપ્પા માત્ર ૧ રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો હતો. અંબાતી રાયડૂ (૧૦) ને મેક્સવેલે બોલ્ડ કરી મોટી સફળતા અપાવી હતી. ચેન્નઈ તરફથી ડેવોન કોનવેએ સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. કોનવે ૩૭ બોલમાં છ ફોર અને બે સિક્સ સાથે ૫૬ રન બનાવી આઉટ થયો હતો. મોઈન અલીએ ૨૭ બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે ૩૪ રન બનાવ્યા હતા. જાડેજા ૩, ધોની, ૨ અને પ્રિટોરિયસ ૧૩ રન બનાવી આઉટ થયા હતા. બેંગલોર તરફથી હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મેક્સવેલને બે, શાહબાઝ, હેઝલવુડ અને હસરંગાને એક-એક સફળતા મળી હતી.


