મિઝોરી
અમેરિકાના મિઝોરીમાં સોમવારે ડમ્પ ટ્રક સાથે અથડાયા બાદ એક એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કેન્દ્રએ લખ્યું, “૨૭ જૂને બપોરે ૧૨ઃ૪૨ વાગ્યે સીટી, લોસ એન્જલસથી શિકાગો જતી સાઉથવેસ્ટ ચીફ ટ્રેન ૪ બીએનએસએફ ટ્રેક પર પૂર્વ તરફ જતી વખતે એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રેનના ૮ કોચ અને ૨ એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. મિઝોરી નજીક મેન્ડોનમાં અકસ્માત થયો હતો.”
કંપનીના નિવેદન અનુસાર ટ્રેનમાં લગભગ ૨૪૩ મુસાફરો અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા. દુર્ઘટના બાદ કંપનીએ કહ્યું કે સ્થાનિક અધિકારીઓ મુસાફરોની મદદ કરી રહ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, “ઇન્સિડેન્ટ રિસ્પોન્સ ટીમને સક્રિય કરવામાં આવી છે અને અમે અમારા મુસાફરો, કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ કરવા માટે ઘટનાસ્થળે ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરી રહ્યા છીએ.” મુસાફરો અને કર્મચારીઓને કોઈપણ પ્રકારની મદદ માટે કંપની દ્વારા ટોલ ફ્રી નંબર પણ જારી કરવામાં આવ્યો છે.
એમ્બ્યુલન્સ સેવાના અધિક્ષક એરિક મેકેન્ઝી, જે ત્યાં હતા, તેમણે સીએનએનને જણાવ્યું કે અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વધુમાં, મિઝોરી સ્ટેટ હાઈવે પેટ્રોલ ટ્રૂપ બીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અધિકારીઓ હજુ પણ મૃત્યુની સંખ્યા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે ટ્રેન એક ડમ્પ ટ્રક સાથે અથડાઈ, ત્યારબાદ આ દુર્ઘટના થઈ. તેમણે એ પણ માહિતી આપી હતી કે નાની ઇજાઓવાળા લોકો માટે એક શાળાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવી છે. રાજ્યના ગવર્નર માઈક પાર્સને પણ ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.


