આઈ. સી. ડી. એસ. વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં
આવેલા તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના
ભૂલકાંઓને વિના મુલ્યે સવારનો નાસ્તો, બપોરનું ગરમ ભોજન અને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે.
સમગ્ર રાજ્યમાં આગામી તા. 12 થી 14 જૂન દરમિયાન તમામ આંગણવાડી કેન્દ્રોમાં 'આંગણવાડી પ્રવેશોત્સવ- 2023' ની
ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જામનગર જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા જામનગર
જિલ્લાના 7 ઘટકોમાં વહેંચાયેલા 888 આંગણવાડી કેન્દ્રોમાં જૂન- 2023 સુધીમાં 4797 જેટલા બાળકોને પ્રવેશ અપાવવામાં
આવશે.
આ તકે, જિલ્લા આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બીનલ સુથાર જણાવે છે કે, 3 વર્ષ પૂર્ણ કરેલા બાળકો
આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ મેળવી શકે છે. આંગણવાડી કેન્દ્રો પર આપવામાં આવતા પોષણક્ષમ આહાર અને પૂર્વ પ્રાથમિક
શિક્ષણનો લાભ મેળવીને બાળક તેનો સર્વાંગી વિકાસ સાધી શકે છે. જિલ્લામાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા
માટે વાલીઓ જે- તે સંબંધિત તાલુકા આઈ.સી.ડી.એસ. ઘટક કચેરીની મુલાકાત લઈ શકશે.
આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં, બાળકોને આંગણવાડીની
સ્વચ્છતા રાખવા અંગેનું ગીત ગવડાવવું, પ્રાર્થના સમારોહ, બાળકોને દરરોજ વાર પ્રમાણે ગરમ નાસ્તો આપવો, તેમજ બાળકોને
મુક્ત ચર્ચા માટે વાતાવરણ પૂરું પડાય છે. આ ઉપરાંત, બાળકોને સ્વચ્છતા રાખવા માટે સમજણ અપાય છે. બપોરે બાળગીત
સ્પર્ધા, રમત ગમત સેશન, સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા વાલીઓની ગૃહ મુલાકાત
લઈ, તેમને આંગણવાડી કેન્દ્રો પર ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિષે માહિતગાર કરવામાં આવે છે. દરરોજ બાળકોની માહિતીનું
ફોલો- અપ લેવામાં આવે છે.
તેમજ, આંગણવાડી કેન્દ્રો પર બાળકોને દરરોજ વિવિધ પ્રકારનો સ્વાદિષ્ટ નાસ્તો અને ભાવતા ભોજનિયાં પીરસવામાં આવે છે.
બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે વિવિધ વાર મુજબ વિવિધ આરોગ્યપ્રદ ખોરાક આપવામાં આવે છે. જેમાં, સોમવારે
સુખડી, ફળ, બપોરે લીલી ભાજી, દૂધી વાળી ભાખરી, થેપલા અને તુવેરદાળનો લચકો અપાય છે. મંગળવારે વેજીટેબલ પુલાવ,
શાક અને બપોરે લીલી ભાજીના વઘારેલાં મુઠીયા અને વઘારેલા મસાલા ચણા, બુધવારે શિરો, ભાત, તુવેરદાળનો લચકો અને
શાક અપાય છે. બાળકોને ગુરુવારે લીલી ભાજીના વઘારેલાં મુઠીયા, બપોરે વેજીટેબલ પુલાવ અને વઘારેલા ચણા, શુક્રવારે શિરો, સુખડી અને બપોરે દૂધીના ઢેબરાં અને વઘારેલા ચણા અપાય છે. અને શનિવારના ફાડા લાપસી, ગળ્યા પુડલા, તીખી ભાખરી અને બપોરે વઘારેલા ઢોકળા અથવા ઈડલી પીરસવામાં આવે છે.


