ગત તા.૪ ફેબ્રુઆરીના રોજ જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ‘ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ‘ નું આયોજન કરાયું હતું. હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા મુખના કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે ચકાસણી શિબિર યોજાઈ હતી. શિબિરનું ઉદ્ઘાટન સંસ્થાના વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મેડિકલ ફેકલ્ટી ડીન શ્રી ડો. નયના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૮૦ જેટલા સંસ્થાના કર્મચારીઓ અને દર્દીઓના મુખ અને દાંતની તપાસ કરાઈ હતી. જેમાંથી ૨૫ લોકોના મુખમાં ઓરલ કેન્સરની શરૂઆતના લક્ષણો અને ફેરફારો જોવા મળતા તેમને ફોલોઅપ માટે રીફર કરવામાં આવ્યા છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગના વડા શ્રી ડો. જીતેન્દ્ર કુલબર્ગે, શ્રી ડો. ગિરીશ ચૌહાણ, શ્રી ડો. સ્મિતા રૂપારેલિયા, શ્રી ડો. શ્રેયસ શાહ, શ્રી ડો. મનીષા શ્રીકાર અને શ્રી ડો. દુશ્યંતસિંહ વાળા દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી.


