ભગતવાડીમાં ગ્રામજનોએ કલેકટર સમક્ષ વિવિધ મુદ્દે સીધા સંવાદ દ્વારા રજુઆત કરી!
બોડેલીની ભગતવાડીમાં છોટાઉદેપુર કલેકટર સ્તુતી ચારણનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બોડેલી, અલીપુરા, ઢોકલીયા અને ચાચક સહિતના ગામોના લોકોએ સ્થાનિક પ્રશ્નો અંગે જન સંવાદ કાર્યક્રમમાં રજૂઆતો કરી હતી. ગ્રામજનો અને આગેવાનો દ્વારા રસ્તા, વીજળી, પાણી, ટ્રાફિક, અકસ્માત નિવારણ, હરખલી કોતરના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. બોડેલીના આગેવાનોએ કલેકટર સ્તુતિ ચારણના આ પ્રકારના અભિગમને આવકારી બોડેલીના મહેમાન બની પ્રશ્નો સાંભળ્યા તે બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
બોડેલીમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થનાર છે ત્યારે કલેકટર સહિતનો સ્ટાફ શેઠ ટી.સી. કાપડીયા કોલેજના મેદાન પર આજે સવારે કાર્યક્રમના રિહર્સલ માટે જોતરાયો હતો. રિહર્સલ પૂર્ણ થયા પછી ભગતવાડીમાં કલેકટર પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ પ્રમાણે જન સંવાદ માટે નિમંત્રિત કરાયેલા બોડેલીના આગેવાનો ઉપસ્થિત હોય સૌ સાથે સંવાદ કરવામા આવ્યો હતો. આ દરમિયાન લોકોના જાહેર સુવિધાઓના પ્રશ્નો કલેકટરે રૂબરૂ સાંભળ્યા હતા. એ સાથે જ જે તે વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર જ તેના ઉકેલ સંબંધી સૂચનાઓ પણ કલેકટરે જાહેરમાં આપી દીધી હતી. આગેવાનો દ્વારા રસ્તા, વીજળી, પાણી, ટ્રાફિક, સફાઈ અભિયાન સહિતના મુદ્દાઓ પર જન સંવાદ કાર્યક્રમમાં સવિસ્તર રજૂઆત કરવામાં આવી હતી.
જન સંવાદમાં બોડેલી સરપંચ કાર્તિક શાહ,અલીપુરાના વી.ડી. રાઠવા, ઢોકલીયા સરપંચ મહેશભાઈ બારીયા, પચીસગામ સરપંચ અરવિંદ રાઠવા, નાની રાસકી સરપંચ વિનોદ બારીયા, બોડેલી પંચાયત સભ્ય અનવર મન્સુરી, કમલેશ પંચોલી, કમલેશ તિવારી, જીજ્ઞેશ ચોકસી સહિત ગ્રામજનો,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ 1
હરખલી કોતરને લીધે અલીપુરાની 22 સોસાયટીઓમાં ચોમાસામાં જળબંબાકાર સર્જાયો હતો
-વી.ડી. રાઠવા, સરપંચ પતિ,અલીપુરા
ગત ચોમાસામાં હરખલી કોતરની દુર્દશાને પગલે અલીપુરાની 22 સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. એ દિવસો આજે પણ અમે ભૂલી શકતા નથી. પ્રિ મોનસુન કામગીરી માટે અલીપુરા પાસેથી પસાર થતાં કોતરના હાઇવે પરના ગરનાળાને પહોળું કરવું જરૂરી છે. નેચરલ ડ્રેઇનનો માર્ગ સંકોચાતા અલીપુરામાં જળબંબાકાર સર્જાય છે. તેનું નિવારણ હાઇવે ઓથોરિટી તેમજ તંત્રના સહકારથી આણવું ખૂબ જ જરૂરી છે.
બોક્સ 2
હરખલી કોતરમાંથી કાંસની સફાઈ કરાવો
– જીગ્નેશ ચોકસી,અલીપુરા આગેવાન
બોડેલી, અલીપુરા, ઢોકલીયા અને ચાચક ગામેથી નીકળીને હરખલી કોતર આગળ જાય છે. આ કોતરમાં મોટા પાયે કાંસ જમા થયેલો છે. જેને લીધે ચોમાસામાં વહેતા પાણીમાં અવરોધ ઊભો થાય છે. આ કાંસની સફાઈ કરવી જરૂરી છે.આ કામગીરીમાં આ કચરો સાફ કરી કોતરને વિસ્તૃત કરવામાં આવે તો અલીપુરાના સોસાયટી વિસ્તારમાંથી પાણી સરળતાથી વહી જઈ શકે છે.
બોક્સ 3
અલીપુરાના ફોરલેન એપ્રોચ ડિવાઇડરના છેડાઓ પર રિફ્લેકટર મુકાવો
– અમજદ ખત્રી, આમ આદમી કાર્યકર
અલીપુરાના ફોરલેન એપ્રોચ રસ્તા પર ડિવાઈડરના છેડાઓ પર રીફલેક્ટર ન હોવાથી અનેક અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતોમાં કેટલાય લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. જરૂરી જગ્યાઓ પર રિફ્લેકટરો મુકવા સૂચના આપવામાં આવે તેવી માંગ છે. રેશનીંગના અનાજ માટે રેશનકાર્ડ ધારકોને એક યા બીજા કારણસર ઘણી જ તકલીફો પડી રહી છે. ગરીબ કાર્ડ ધારકોને સરળતાથી અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ છે.
બોક્સ 4
બોડેલી જન સંવાદ કાર્યક્રમ માં પ્રસ્તુત થયેલા તમામ પ્રશ્નો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું
– સ્તુતિ ચારણ – કલેકટર, છોટાઉદેપુર
જન સંવાદ કાર્યક્રમમાં રજૂ કરાયેલા પ્રશ્નો અમે સાંભળ્યા છે અને તેને ધ્યાને લઈ સંબંધિત વિભાગને સૂચનાઓ આપવાના છે. પ્રસ્તુત થયેલા તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


