છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના એક ગરીબીમાં જીવતા ખેડૂત પેટનો ખાડો પૂરવા માટે જાતે બળદના બદલે હળ ખેંચવા મજબૂર બન્યો હતો અને સ્વમાનભેર ખેતી કરી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈને ખેડૂતની મદદે બોલિવુડની અભિનેત્રી અને મોડલ એશ્રા પટેલ આવી છે.એક વિઘા જમીનમાં ખેતી કરતાં અનુપભાઈ વેચાતભાઈ નામના ખેડૂત પાસે આવકનું બીજું કોઈ સાધન નથી, પોતાનો એક દીકરો છે તે પણ માનસીક રીતે દીવ્યાંગ છે અને પરિવારમાં ચાર જણાનું ગુજરાન કરવા માટે ખેતી જ એક વ્યવસાય છે. પરંતુ ખેતી કરવા માટે ન હતું ટ્રેક્ટર કે બળદ ન હતા. આવક ઓછી હોવાને કારણે ભાડે પણ લઈ શકતા નથી. જેને લઈને ખેતરને ખેડવા માટે પોતાની પત્ની સાથે મળીને હળને દોરડું બાંધીને પોતાના ખભે મૂકીને ખેંચીને ખેતી કરી રહ્યાં છે. પત્ની પાછળના ભાગથી જમીનને ખેડતા હ્રદયને હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યો મક્કમ મનના માનવીને પણ અંદરથી હલાવી નાખે તેવા છે. ખરેખર આ દ્રશ્યો જોઈને છોટાઉદેપુર જિલ્લાની અને બોલિવુડની અભિનેત્રી એશ્રા પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને તેને તાત્કાલિક ખેડૂતને મદદ કરવાનું નક્કી કર્યું અને ખેડૂતની વ્હારે આવી છે. આજરોજ એશ્ના પટેલ પોતાના પિતા નરહરિ પટેલની સાથે એક ટેમ્પોમાં બે બળદ તેમજ આ બન્ને બળદને એક મહિના સુધી ચાલે તેટલો ચારો લઈ જઈને તેમજ થોડીક આર્થિક મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આટલું તો ઠીક ખેડૂત અનુભાઈનો એક દીકરો કે જે માનસિક બીમાર છે તેને પણ સારવાર કરાવવા માટે વડોદરાના સારા ડોકટર પાસે લઈ જવાની તૈયારી કરી છે. ખેડૂત પોતે સારી રીતે ખેતી કરીને ગુજરાન ચલાવે તે માટે મદદ માટે અભિનેત્રી એશ્રા પટેલ આગળ આવી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


