Gujarat

ફાઈનલ પહેલા બાંગ્લાદેશ સામે ભારતની હાર થતા બેટ્‌સમેનો પર ઉઠ્‌યા સવાલો

બાંગ્લાદેશે ભારતને ૬ રનથી હરાવ્યું છે. ભારતને જીતવા માટે ૨૬૬ રનનો ટાર્ગેટ હતો. પરંતુ ભારતીય ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૫૯ રન પર જ સિમિત રહી હતી. ભારત તરફથી ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે ૧૩૩ બોલમાં ૧૨૧ રન બનાવ્યા હતા. આ યુવા ઓપનરે પોતાની ઈનિંગમાં ૮ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તે ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. શુભમન ગિલ સિવાય અન્ય ભારતીય બેટ્‌સમેનોએ નિરાશ કર્યા હતા. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્‌સમેન જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે ૩૪ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૩ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. પરંતુ અક્ષર પટેલની ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહોતી. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૬૫ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસને ૮૫ બોલમાં ૮૦ રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશી કેપ્ટને પોતાની ઇનિંગમાં ૬ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી. જ્યારે તૌહીદ હૃદયે ૮૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૫૪ રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. શાકિબ અલ હસનની ટીમને પહેલો ફટકો ૧૩ રનના સ્કોર પર લાગ્યો હતો. બાંગ્લાદેશના ૪ બેટ્‌સમેન ૫૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જાેકે, આ પછી કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હૃદય વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૦૧ રનની ભાગીદારી થઈ હતી. વાસ્તવમાં બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર ફેલ ગયો હતો. બાંગ્લાદેશના ટોપ-૩ બેટ્‌સમેનોએ અનુક્રમે ૧૩, ૦ અને ૪ રન બનાવ્યા હતા. જ્યારે મહેંદી હસન મિરાજે ૨૮ બોલમાં ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. શમીમ હૌસેન ૫ બોલમાં ૧ રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય નસુમ અહેમદે ૪૫ બોલમાં ૪૪ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મહેંદી હસને ૨૩ બોલમાં ૨૯ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ભારતીય બોલરોની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ ૨ ખેલાડીઓને આઉટ કર્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્ના, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાને ૧-૧ સફળતા મળી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. એશિયા કપની આ છેલ્લી સુપર-૪ રાઉન્ડની મેચ છે. ભારત અને શ્રીલંકાની ટીમો ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૭ સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

File-01-Page-21-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *