બિપરજોય વાવાઝોડા અને તે દરમિયાન ભારે વરસાદની આગાહીના સંદર્ભે સાવચેતી અને સલામતીના પૂર્વ ઉપાયોના ભાગરૂપે લેવાના થતા જરૂરી પગલાઓ તેમજ આયોજન માટે જિલ્લા પ્રભારી સચિવ શ્રી જેનુ દેવાને જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત તાલુકાવાર નિમણૂક થયેલ લાઇઝન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે આયોજનની માહિતી આપતા જણાવ્યુ હતુ કે જિલ્લામાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે તાલુકાવાર લાયઝન ઓફિસરોની નિમણૂક કરાઈ તેમજ જિલ્લા કંટ્રોલરૂમ ૨૪×૭ કલાક કાર્યરત છે તેમજ આશ્રયસ્થાનોની વ્યવસ્થા પણ કરાઈ છે. વધુમા કલેક્ટરશ્રીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓની વિગતોથી પ્રભારી સચિવ શ્રીને માહિતગાર કર્યા હતા.
પ્રભારી સચિવશ્રી જેનુ દેવાને હોર્ડિંગ્સ તથા ભયજનક વૃક્ષો દૂર કરવા તેમજ કોમ્યુનિકેશન વ્યવહાર ખોરવાય નહી તે માટેની વ્યવસ્થા અને દરિયાકાંઠા વિસ્તારના સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવા ,મેડિકલ ટીમ તથા જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો તૈયાર રાખવા, આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર સહિતની વ્યવસ્થા ઊભી કરવી, નબળા પુલ-નાળા-કોઝવે પર લોકોની અવરજવર અટકાવવી, સહિતની બાબતો પર ઝીણવટભરી સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી પૂર્વ તૈયારીઓના ભાગરુપે કરેલી કામગીરીની માહિતી મેળવી હતી.
આ સાથે જ તેમણે દરિયાકાંઠાના ગામોના આગેવાનો સાથે વાર્તાલાપ કરી જરૂરી સુચનાઓ આપી એલર્ટ કરવા તેમજ સામાજીક અગ્રણીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટ સાથે સતત કોમ્યુનિકેશનમાં રહી એલર્ટ રહેવા તેમજ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી અને જિલ્લામાં ઓછામાં ઓછું જાન માલનું નુકસાન થાય તે માટે લેવાના થતાં પગલાંઓ વિશે ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા, અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, પ્રાંત અધિકારી શ્રી કે વી બાટી, નાયબ કલેકટરશ્રી ભૂમિકાબેન વાટલીયા,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અરુણ રોય, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી સુનિલ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એચ.કે વાજા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા,સહિતના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


