Gujarat

વિશ્વ કૌશલ્ય વિકાસ દિવસઃ મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઈનિશિએટીવમાં ગુજરાતના ૫ લાખથી વધુ યુવાનો જાેડાયા

ગાંધીનગર
૧૫ જુલાઈના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કૌશલ્ય વિકાસ દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિશ્વ કૌશલ્ય વિકાસ દિવસનું થીમ છે, ‘પરિવર્તનશીલ ભવિષ્ય માટે શિક્ષકો, પ્રશિક્ષકો અને યુવાનોને કૌશલ્યપૂર્ણ બનાવવા’.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં યુવાનોના કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે યુવાનોના કૌશલ્ય વિકાસ માટે તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના યુવાનોને મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિએટિવ હેઠળ તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યના ૫ લાખ યુવાનો મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવમાં જાેડાયા છે, જેમાંથી ૪,૨૧,૨૫૨ યુવાનોએ તાલીમ મેળવી છે.
૫ લાખના લક્ષ્યાંક સામે ચાલુ વર્ષે ૪,૨૧,૨૫૨ યુવાનોએ મેળવી તાલીમ
મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઈનિશીએટીવ દ્વારા યુવાનોમાં રોજગાર ક્ષમતા વધારવા સ્કિલ ડેવલપમેન્ટની વિવિધ યોજનાઓ અમલમાં મૂકતા વિભાગોનું સંકલન કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે રાજ્યમાં કૌશલ્ય માળખાકીય સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય તે માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૫ લાખ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવાનો લક્ષ્યાંક વિવિધ વિભાગોને આપવામાં આવ્યો હતો, જેમાંથી ૪,૨૧,૨૫૨ યુવાનોએ વિવિધ વિભાગની કૌશલ્ય પહેલો દ્વારા તાલીમ મેળવી છે. હાલ કુલ ૧,૪૬,૯૯૪ યુવાનો તાલીમ મેળવી રહ્યા છે.
ક્યા વિભાગ દ્વારા કેટલા યુવાનોએ મેળવી કૌશલ્ય વિકાસ તાલીમ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ૩,૦૩,૪૪૮, શિક્ષણ વિભાગ દ્વારા ૧૮૦૩૫, ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ૩૫,૯૬૩, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ૩૧,૪૩૦, પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૨૩,૭૬૫, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૫,૨૯૧ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૩,૩૨૦ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *