વિજાપુર
વિજાપુર એપીએમસીની ૧૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના શનિવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપની સત્તાવાર પેનલને બે બેઠકો ઓછી મળી હતી. એટલે કે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલની પેનલના ઉમેદવારો ૭ બેઠકો પર જીત્યા હતા. જ્યારે સામે પક્ષે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય પી.આઇ પટેલની પેનલને ખેડૂત વિભાગમાં બે બેઠકો વધુ એટલે કે તેમના ૯ ઉમેદવારો વિજેતા બન્યા હતા. વિધાનસભાની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ ઉમેદવારોને ઓળખવામાં અને મેન્ડેટ આપવામાં થાપ ખાઈ ગયાનું ચિત્ર ઉપસ્યું છે. વિજાપુર વિધાનસભાની ચૂંટણી બાદ માત્ર વિજાપુર જ નહીં પરંતુ સમગ્ર મહેસાણા જિલ્લાના સહકારી અને રાજકીય આગેવાનો માટે એપીએમસીની ચૂંટણી રાજકીય સમીકરણો બદલવા નિમિત બની હતી. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ ભાજપે એપીએમસીની ચૂંટણીમાં પણ મેન્ડેટ આપવામાં ભૂલ કરી હોવાનું જાહેર થયેલા પરિણામ કહી રહ્યા છે. ૧૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી બાદ શનિવારે સવારે ૯ વાગ્યાથી માર્કેટયાર્ડના હોલમાં ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગના ૫૩૩ મતોની ગણતરી પ્રથમ હાથ ધરાઈ હતી. ૧૫ રાઉન્ડ સુધી પી.આઇ. પટેલની પેનલ આગળ રહી હતી, પરંતુ જેમ જેમ રાઉન્ડ વધતા ગયા તેમ પી.આઈ.ની સરસાઈને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલની પેનલના ઉમેદવારોએ કાપતાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો ઉપર પી.આઈ.પટેલ, ૨૭ કાંઠા કડવા પાટીદાર સમાજના પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત ૬ ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે સામે પક્ષે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ સહિત ૪ ઉમેદવારો જ વિજેતા બનતાં ખેડૂત વિભાગમાં પી.આઈ. પટેલની કિસાન પેનલે બે બેઠકો વધુ મેળવી હતી. જ્યારે વેપારી વિભાગની ચાર બેઠકોમાં પણ ક્રોસ વોટિંગ થતાં ભાજપની પેનલના એક ઉમેદવાર, જ્યારે માર્કેટયાર્ડ વેપારી એસોસીએશનના પ્રમુખ નરેશ પટેલ સહિત પી.આઈ. પટેલના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે ખરીદ વેચાણ વિભાગની બંને બેઠકો કાંતિલાલની પેનલે કબજે કરી હતી. પરિણામોમાં ૯ બેઠકો સાથે પી.આઈ.નું પલ્લુ ભારે રહ્યું હતું. જ્યારે સામે મેન્ડેટ અપાયો હોવા છતાં રમણભાઈ પટેલ અને કાંતિભાઈ પટેલની પેનલ ૭ બેઠકો જ મેળવી શકી હતી. ૧૬ પૈકી ૯ બેઠકો પી.આઈ. પટેલની પેનલ અને ૭ બેઠકો ઉપર પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલની પેનલ વિજેતા બની છે. આમ ભાજપ પ્રેરિત પેનલ પાસે બે બેઠક ઓછી છે. ત્યારે નગરપાલિકાનો એક સભ્ય, ખેતીવાડી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર મળી ત્રણ સભ્યો પૈકી સરકારના ૨ મત કાંતિભાઈ પટેલને મળે તો બંને પેનલના સરખા સભ્યો થાય. આ સંજાેગોમાં નગરપાલિકાનો એક મત બે સપ્તાહ બાદ યોજાનારી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે નિર્ણાયક સાબિત થશે.
