સેલવાસ
સેલવાસ સ્થિત છત્રપતિ શિવાજી રાજે ચોક પાસે લગાવવામાં આવેલા શિવાજી મહારાજની તસ્વીરવાળા હોડીંગ્સને કોઇક અસામાજિક તત્વોએ ફાડી નાખતા લોકોમાં આક્રોશનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘટના અંગે શિવાજી મહારાજ જન્મ જયંતિ ઉત્સવ સમિતિએ એસપીને લેખિત રજુઆત કરી યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર લગાવવામાં આવેલા શિવાજી મહારાજના હોડીંગ્સને ફાડવા પાછળ કેટલાક અસામાજિક તત્વોનો સમાજમાં વૈમનસ્ય ફેલાવવા અને સામાજીક સૌહાર્દ બગાડવાનો ઈરાદો હોવાનું જણાઇ આવે છે. આવા લોકોને પોલીસ વિભાગ દ્વારા ગંભીરતાથી લઇ અને એની તપાસ કરી દોષીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં દાનહમાં સામાજિક અશાંતિ ફેલાવાની પૂરેપૂરી સંભાવના વર્તાઇ રહી છે.જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સેલવાસ શિવાજી મહારાજ જન્મ જયંતિ ઉત્સવ સમિતિએ એસપીને ઝડપથી જવાબદાર તત્વોને ઝડપી પાડી દાખલા રૂપ કાર્યવાહી કરવા ભાર પૂૂર્વકની માગ કરી છે.


