લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
૧૪-અમરેલી લોકસભા સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના
ચૂંટણી ખર્ચ હિસાબ અને તેના નિરીક્ષણ અંગેની તાલીમ યોજાઈ
જનરલ નિરીક્ષક એમ.કે.દ્રાબુ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા, ખર્ચ નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યા અને ખર્ચ નિરીક્ષક શ્રીનિવાસુ કોલ્લીપકાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજકીય પક્ષને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું
—
ઉમેદવારોની રજૂઆતો અને પ્રશ્નો અંગે જનરલ નિરીક્ષકશ્રીને
અમરેલી સ્થિત સર્કિટ હાઉસ બેઠક રુમમાં સવારે ૧૧ થી
બપોરે ૧૨ કલાક દરમિયાન રજૂઆત કરી શકાશે
—-
અમરેલી તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) ૧૪-અમરેલી લોકસભા સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ, હિસાબ અને તેના નિરીક્ષણ અંગેની તાલીમ અમરેલી જિલ્લા સેવાસદન ખાતે સંપન્ન થઈ હતી. ચૂંટણી જનરલ નિરીક્ષક શ્રી એમ.કે.દ્રાબુ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા, ખર્ચ નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યા અને ખર્ચ નિરીક્ષકશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ તાલીમમાં, ચૂંટણી લડી રહેલા વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારો અને તેમના પ્રતિનિધિશ્રીઓને ચૂંટણી વિવિધલક્ષી બાબતોનું માર્ગદર્શન અને વિગતો આપવામાં આવી હતી.
ચૂંટણી જનરલ નિરીક્ષકશ્રી એમ.કે.દ્રાબુએ ઉમેદવારોને ચૂંટણીપંચના નિર્દેશો અને નિયમોના સાહિત્યનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત અને આદર્શ આચાર સંહિતાને લગતી ફરિયાદ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત CVIGIL એપ્લિકેશન પરથી પણ તસવીરો અને વીડિયો દ્વારા ફરિયાદ કરી શકાશે. ઉમેદવારો નિરીક્ષકશ્રીઓને સ્વતંત્ર રીતે રજૂઆત કરી શકશે અને પોતાના પ્રશ્નો જણાવી શકશે.
તાલીમના પ્રારંભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેનાએ ઈ.વી.એમ, ઈ.વી.એમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા, આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે અનુસરવાના નિયમો, સોશિયલ મીડિયા મોનીટરીંગ, પોલીંગ સ્ટેશનની ૨૦૦ મીટરની આસપાસ ઉમેદવારોના મતદાર સહાય બુથના નિર્માણ સહિતની બાબતો વિશેની વિગતો જણાવી હતી. ઉમેદવારો પર કોઈ ગુના નોંધાયા હોય તો તે અંગેની જાણ જાહેર જનતાને થાય તે માટે સમાચાર માધ્યમોમાં તે અંગેનો પ્રચાર-પ્રસાર થાય અને આ અંગેના નિયમો અને માર્ગદર્શિકા અનુસરવા અને ચૂંટણીના પ્રચાર-પ્રસાર કરવા માટે મેળવવાની પરવાનગીઓ સહિતની બાબતો તેમણે જણાવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ઉમેદવારોની રજૂઆતો અને પ્રશ્નો અંગે જનરલ નિરીક્ષકશ્રી એમ.કે દ્રાબુને અમરેલી સ્થિત સર્કિટ હાઉસના બેઠક રુમમાં સવારે ૧૧ થી બપોરે ૧૨ કલાક દરમિયાન રજૂઆત કરી શકાશે. આ ઉપરાંત રાજકીય પક્ષના ઉમેદવારો તેમના મોબાઇલ નંબર ૬૩૫૩૬ ૯૩૧૮૮ પર સંપર્ક કરી શકશે. ખર્ચ નિરીક્ષકશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાને મોબાઇલ નંબર ૭૯૯૦૩ ૪૩૮૪૮ પર સંપર્ક કરી ખર્ચને લગતા વિષયોની રજૂઆત શકાશે.
ઉમેદવારો માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા સુવિધા પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જેમાંથી ચૂંટણીની સભા, રેલી વગેરેની પરવાનગીઓ ઓનલાઇન પણ મેળવી શકાય છે. ખર્ચ સહાયક નોડલ અને જિલ્લા તિજોરી અધિકારીશ્રી ખાચરે, ઉમેદવારોના ખર્ચ અંગે અનુસરવાની બાબતો સહિતની વિગતો જણાવી હતી. તેમણે ઉમેદવારના ચૂંટણી ખર્ચ, ચૂંટણી ખર્ચના પ્રકાર, ચૂંટણી ખર્ચની નોંધણી માટે નિભાવવાના પત્રકો, અનુદાન મેળવવા અને રકમની ચૂકવણીના નિયમો અંગે વિગતો જણાવી હતી. તેમણે વધુમાં કહ્યુ કે, લોકસભાની ચૂંટણી લડી રહેલા પ્રત્યેક ઉમેદવાર માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા રુ. ૯૫ લાખ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો આ મર્યાદામાં ખર્ચ કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારોના ખર્ચના નિરીક્ષણ માટે આગામી તા.૨૪ એપ્રિલ, ૨૦૨૪, તા.૩૦ એપ્રિલ, ૨૦૨૪ અને તા. ૦૪ મે, ૨૦૨૪ના રોજ ચૂંટણી પંચના નિયમો મુજબ ખર્ચપત્રકોની ચકાસણી કરવામાં આવશે.
ઉમેદવારોને ખર્ચ અંગેની જરુરી બાબતોને સાંકળી લેતી વિગતો અને પત્રકો સાથેનું સાહિત્ય પણ આ બેઠકમાં આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી ફરજ પરના સબ નોડલ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિવિધ રાજકીય પક્ષ અને અપક્ષના ઉમેદવારો અને તેમના પ્રતિનિધિશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
