ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો છતાં હજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હિમવર્ષા થઇ રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય રહેશે. જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે.
માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે. આ દરમિયાન સામાન્ય હીટવેવના દિવસો 6 થી લઇ 15 દિવસ રહેવાની શક્યતા છે. માત્ર માર્ચ મહિનાની સ્થિતિ જોઇએ તો, હીટવેવ 1 થી 5 દિવસ રહી શકે છે.
સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2 થી 6 દિવસના હોય છે. તેમજ માર્ચ મહિના દરમિયાન અડધા દિવસથી લઇ 2 દિવસ હીટવેવના રહેતાં હોય છે. રાજ્યમાં ઉનાળામાં 35 થી લઇ 75 ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે. જ્યારે માર્ચમાં 55 થી 75 ટકા સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે.
ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા 33 થી 45 ટકા હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબાગાળાના પૂર્વાનૂમાનમાં જણાવ્યું હતું.