અમેરિકામાં વધુ એક હવાઈ દુર્ઘટના
અમેરિકાના લોઅર મેનહેટ્ટનમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ઉડતું ઉડતું અચાનક જ નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત ૬ લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે.
આ હવાઈ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો ધસી આવ્યો અને બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે એક પર્યટક હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં ત્રણ બાળકો સહિત ૬ લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પાઈલટ સહિત સ્પેનના ૫ લોકોનો એક પરિવાર સામેલ છે.
ન્યૂયોર્કમાં ટૂર માટે ઓપરેટ કરવામાં આવતા આ હેલિકોપ્ટર્સે ૨:૫૯ વાગ્યે બપોરે ઉડાન ભરી હતી અને પછી અચાનક બેકાબૂ થઈ ગયું હતું. બપોરે લગભગ ૧૫ મિનિટ બાદના સમયગાળામાં જ નજીકમાં આવેલી નદીમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યાની માહિતી મળી હતી અને તેમાં સવાર લોકો નદીમાં જ ડૂબી ગયા હતા.
આ હવાઈ દુર્ઘટના અંગે મીડિયા રિપોર્ટ અનુસાર ટેક-ઓફ થયાના થોડા સમય પછી, પ્રત્યક્ષદર્શીઓએ હેલિકોપ્ટરને હલતું જાેયું અને થોડીક સેકન્ડ પછી, તે ઝડપથી ફરવા લાગ્યું અને સીધું હડસન નદીમાં પડી ગયું. અકસ્માત બાદ, કટોકટી ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. નદીમાંથી છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. પીડિતોમાં ત્રણ માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે.