સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વધુ એક કેનાલમાં ભંગાણ સર્જાયું છે. ઉશ્કેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં મળસ્કે ત્રણ વાગ્યે અચાનક ગાબડું પડ્યું હતું. પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું.
ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી પાણીનો પ્રવાહ બંધ કરવા જણાવ્યું હતું.

પાણીનો પ્રવાહ વધુ હોવાથી આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા. કેનાલનું પાણી તોગાપુર ગામમાં પણ પ્રવેશ્યું હતું. ચાર-પાંચ ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ચોમાસાની યાદ તાજી થઈ હતી.
સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ પટેલે જણાવ્યું કે આ કેનાલનું બાંધકામ ખૂબ જૂનું છે. પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થતાં થોડા કલાકો લાગશે. બે દિવસમાં કેનાલના ભંગાણનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે. ખેડૂતોને ઝડપથી ફરી કેનાલનું પાણી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.