૨૬/૧૧ આતંકી હુમલાના આરોપીને ભારત લાવવાનો માર્ગ થયો મોકળો
૨૬/૧૧ આતંકી હુમલાના આરોપી ને ભારત લાવવાનો માર્ગ હવે વધુ મોકળો થઈ ગયો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે (૭ એપ્રિલ, ૨૦૨૫) ભારતના મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરની અંદર આતંકવાદી હુમળો થયો હતો તેના આરોપી ૬૪ વર્ષીય તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
આરોપી તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. હાલમાં તેને લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ, રાણાએ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ ‘ઇમરજન્સી પિટિશન‘ દાખલ કરી હતી, જેમાં ‘હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી સુધી પ્રત્યાર્પણ પર રોક‘ લગાવવાની માંગ કરવામાં આવી હતી.
ગયા મહિને જસ્ટિસ કાગનને રાણાની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ રાણાએ પોતાની અરજી રિન્યૂ કરી અને વિનંતી કરી કે રિન્યૂ કરેલી અરજી ચીફ જસ્ટિસ રોબર્ટ્સને મોકલવામાં આવે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાણાની નવી અરજી ૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક બેઠક માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.
આતંકી તહવ્વુર રાણાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, ‘જાે મને ભારતને સોંપવામાં આવશે, તો મને ત્યાં ત્રાસ આપવામાં આવશે કારણ કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું.‘ ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.
આ મામલે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરની એક નોટિસ મુજબ, ‘કોર્ટે અરજી ફગાવી દીધી છે.‘ મુંબઈ હુમલાના આરોપીએ પોતાની અરજીમાં ભારત વિરુદ્ધ અનેક આરોપો પણ લગાવ્યા હતા. હ્યુમન રાઇટ્સ વોચ ૨૦૨૩ના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું હતું કે, ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે અને સતત સરમુખત્યારશાહી બની રહી છે.