Gujarat

કામરેજમાં ભારે વરસાદથી તાપી કિનારે ધોવાણ

સુરત જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે મોટાપાયે ધોવાણ થયું હતું. કામરેજ ગામના માછીવાડ ફળિયામાં આ સ્થિતિ ગંભીર બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી. મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે પાળો બનાવવાની કામગીરી શરૂ કરી છે.

થોડા દિવસ અગાઉ કામરેજ વિસ્તારમાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે તાપી નદીના કિનારાના વિસ્તારોમાં જમીનનું ધોવાણ થયું. માછીવાડ ફળિયામાં નદી કિનારે જમીન ધોવાઈ જતાં અનેક ઘરોના પાયા ખુલ્લા પડી ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિને કારણે નદી કિનારે રહેતા 25થી વધુ પરિવારો પોતાના ઘરની સુરક્ષા અંગે ચિંતિત બન્યા હતા.

આ ગંભીર પરિસ્થિતિ અંગેના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા જ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સ્થળ પર પહોંચીને તાકીદે પાકો પાળો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી વધુ ધોવાણ અટકાવી શકાય.