Gujarat

જામનગરમાં નજીવી બાબતે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને કારણે થયેલા ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ જેઠવા બંધુઓ પર છરી, તલવાર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદીપસિંહ જશાજી જેઠવાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે બે દંપતી સહિત કુલ સાત આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગત 17 જુલાઈની રાત્રે ગોકુલનગર શેરી નં. 11, ગિરિરાજ પાન પાસે રહેતા બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા (ઉ.વ.30) તેમના વિસ્તારમાં હતા. તે સમયે કેટલાક લોકો અપશબ્દો બોલી રહ્યા હતા.

આ દરમિયાન, વિસ્તારમાં રહેતા સોનુબા ગુમાનસિંહ જાડેજાને શંકા ગઈ કે જેઠવા ભાઈઓ તેમના આંગણે ગાળો બોલી રહ્યા છે. આ શંકાને પગલે સોનુબા ગુમાનસિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોષનાબા અને તેમના પતિ સહિતના લોકો જેઠવા પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરવા લાગ્યા.

બોલાચાલી ઉગ્ર બનતાં ગુમાનસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલી છરી વડે પ્રદીપસિંહ જશાજી જેઠવા (ઉ.વ.27) પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાબુ ઉર્ફે રણજીતસિંહ અને તેમના અન્ય ભાઈ મયુરસિંહને પણ માર મારવામાં આવ્યો હતો.

ગંભીર રીતે ઘાયલ પ્રદીપસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.