સુરત શહેરમાં તાજેતરમાં જ આવેલા વિનાશક ખાડીપૂરના કારણે હજારો પરિવારો અને વેપારીઓએ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. પૂરના પાણી ઓસર્યા બાદ જનતામાં શાસકો અને વહીવટી તંત્ર સામે ફાટી નીકળેલા ભારે આક્રોશ અને નારાજગીને શાંત કરવા માટે સુરત મહાનગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો છે. ખાડીપૂરથી અસરગ્રસ્ત બનેલા શહેરના લાખો નાગરિકોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે સુરત મનપાની સ્થાયી સમિતિએ એક વિશેષ વેરા માફી યોજનાને મંજૂરી આપી દીધી છે.
આ યોજના હેઠળ પાલિકા તિજોરી પર બોજો વહોરીને પણ અસરગ્રસ્તોને કુલ 147 કરોડ રૂપિયાના વેરા માફીનું મસમોટું પેકેજ આપવા જઈ રહી છે. આ લોકહિતના નિર્ણયનો સીધો લાભ શહેરની 3,54,600 મિલકતોને મળશે, જેનાથી પૂર પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને મોટી આર્થિક સાંત્વના મળશે.
વેરા માફીની દરખાસ્તને મનપાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે સુરતમાં ખાડીપૂરના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને સ્થાનિક લોકોમાં પાલિકા પ્રશાસન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે પ્રચંડ ગુસ્સો જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં નેતાઓને લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા.
જનતાના આ આક્રોશને પારખી ગયેલી પાલિકાએ તાત્કાલિક ધોરણે ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરી હતી, જેના ભાગરૂપે કમિશનર દ્વારા રજૂ કરાયેલી વેરા માફીની દરખાસ્તને સ્થાયી સમિતિએ તાકીદે બહાલી આપી દીધી છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે મનપાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે, જ્યાં તે સર્વાનુમતે પસાર થાય એવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.

