અમદાવાદમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિર્દોષ નાગરિકને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 38 વર્ષીય યુવકને હોટેલ-રેસ્ટોરન્ટના ગુગલ રિવ્યૂ આપવાના બહાને કમાણી કરવાની લાલચ આપી સાયબર ઠગોએ ₹30.49 લાખ પડાવી લીધા છે.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવકને ફોન પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, જેમાં પાર્ટટાઈમની જોબ ઓફર કરી હતી. આ જોબમાં મોબાઈલ ફોનથી ગુગલ મેપમાં જઈને હોટેલ અને રેસ્ટોરન્ટમાં રિવ્યુ આપવાના હતા. જે રિવ્યુ આપવાથી શરૂઆતમાં 50 રૂપિયાનો ટાસ્ક મળશે અને એડવાન્સ પૈસા જમા કરાવવાથી 100 રૂપિયાનો એક ટાસ્ક સામેથી આપવામાં આવશે, તેવું જણાવ્યું હતું.
વિશ્વાસ કેળવી લાખોનું રોકાણ કરાવ્યું યુવકે અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને ટાસ્ક પૂરુ કરવાનું શરૂ કર્યું. જે બદલ યુવકને શરૂઆતમાં પુરા કરવાના પૈસા આપવામાં આવતા હતા, જે બાદ યુવકને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં એડ કર્યા બાદ રોજના 21 ટાસ્ક આપવામાં આવશે, કહીને યુવક પાસેથી એડવાન્સ 2000 લીધા હતા. જે પૈસા લીધા બાદ યુવકે ટાસ્ક પૂરા કરતા યુવકને 2630 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા, જેથી યુવકને વિશ્વાસ આવી ગયો હતો.
30.49 લાખ ગુમાવ્યા બાદ ભાંડો ફૂટ્યો 13 માર્ચ, 2026થી 1 એપ્રિલ, 2026 સુધીમાં ઠગોએ અલગ-અલગ બહાને યુવક પાસેથી પૈસા પડાવ્યા. યુવકને જણાવવામાં આવ્યું કે તેનો નફો ઘણો વધી ગયો છે, તેથી ‘VIP કસ્ટમર’ બનવા માટે વધુ ₹16 લાખ જમા કરાવવા પડશે. લાલચમાં આવી યુવકે આ રકમ પણ ભરી દીધી હતી.
20 દિવસમાં ટુકડે-ટુકડે કુલ ₹30.49 લાખ જમા કરાવ્યા બાદ જ્યારે યુવકે પોતાનો નફો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ‘પ્રોસેસિંગ ફી’ના નામે વધુ પૈસાની માંગણી કરી હતી. યુવકને છેતરપિંડીનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

