સાઈબર ગઠિયાઓએ હોળી- ધુળેટીની રજાઓમાં ધી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બૅન્ક સહિત દેશની 15 બૅન્કનું સર્વર હેક કર્યું હતું, જેમાંથી ભાવનગર ડિસ્ટ્રીક્ટ બૅન્કનાં 4 ખાતાંના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર તેમજ રકમ બદલીને રૂ.7.34 કરોડ ઉપાડી લીધા હતા. આ રૂપિયા 135 બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવાયા હતા. આ તમામ ખાતાનું એનાલીસીસ કરીને મુંબઈના 1 અને અમદાવાદની મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે તપાસ કરતાં જે પણ એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરવામાં આવ્યા હતા તેમાંથી મોટા ભાગના ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓ બૅન્કના જ હતા. પોલીસે એકાઉન્ટધારક તેમજ મ્યુલ બૅન્ક એકાઉન્ટ ભાડેથી રાખનારા અદનાન ઉસ્માનભાઈ શેખ (24) (સરખેજ), રુબીના અબ્દુલકાદર શેખ (31) (વાસણા), સુશિલકુમાર વિનોદકુમાર મેઘવાલ (32)(રખિયાલ) અને કિશોર પ્રભાકર પરદેશી (43) (મુંબઈ)ને ઝડપી લીધા હતા. જોકે રૂ.7.34 કરોડમાંથી રૂ.2.04 કરોડ ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા.
10 લાખનું ટ્રાન્ઝેક્શન મહત્ત્વની કડી સાબિત થઈ સાઈબર ગઠિયાઓએ રૂ. 7.34 કરોડ 500 બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી 135 ખાતાં ફસ્ટ લેયરનાં હતાં. તેમાંથી એક ખાતું મીનાબહેન નામની મહિલાના નામે હતું. તેમના ખાતામાં રૂ.7.35 લાખમાંથી રૂ. 10 લાખ આવ્યા હતા. તે પૈસા પતિ સુશિલકુમાર મેઘવાલે રુબીનાને આપ્યા હતા. રુબીનાએ તેના ખાતા અને અન્ય ખાતાંમાંથી પૈસા વિડ્રો કરીને તે પૈસા અદનાન શેખને આપ્યા હતા. આ નેટવર્ક કિશોર પરદેશી સંભાળતો હતો.

