જામનગર: રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકામાં “સમરસ વિદ્યા સેતુ અભિયાન” અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાન હેઠળ બંને તાલુકાના કુલ 440 વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃપ્રવેશ મેળવી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા હતા.

કાર્યક્રમને સંબોધતા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસો અને શિક્ષણ વિભાગની કાર્યનિષ્ઠાના પરિણામે વધુને વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. રાજ્ય સરકાર બાળકીના જન્મથી લઈને તેના શિક્ષણ અને સશક્તિકરણ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી અનેક યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

શિક્ષણ માત્ર શિક્ષણ વિભાગની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. શિક્ષકો, વાલીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોના સહયોગ થકી દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડી શકાય છે. ગુજરાતના કોઈપણ બાળકને શિક્ષણના અધિકારથી વંચિત ન રહેવા દેવાનો સંકલ્પ સૌએ લેવો જોઈએ.

આ અભિયાન અંતર્ગત લાલપુર તાલુકામાં આશરે 300 અને જામજોધપુર તાલુકામાં આશરે 140 બાળકોનો પુનઃપ્રવેશ કરાવવામાં સફળતા મળી છે. આ કામગીરી બદલ મંત્રીએ શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને સમાજના સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડાયેલા બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પુનઃપ્રવેશ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપનાર દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

