Gujarat

ચલા-અજીતનગરમાં 77 વેપારી અને 12 ફૂડ સ્ટોલ, બાળકો માટે રાઇડ્સ

વાપીના ચલા-અજીતનગરમાં ‘સ્વદેશી મેળો’ શરૂ થયો છે. 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર, 2026 સુધી ચાલનારા મેળામાં ખરીદી, ખાણીપીણી અને મનોરંજનની વ્યવસ્થા છે. વાપી મહાનગરપાલિકા અને ગુજરાત આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેળાનું ઉદ્ઘાટન મેયર દક્ષાબેન પટેલે કર્યું. ગુજરાત સરકારના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના માર્ગદર્શન હેઠળ મેળો યોજાયો છે.

મેળામાં કુલ 77 વેપારી સ્ટોલ છે. સ્થાનિક કારીગરો, હસ્તકલા કલાકારો, મહિલા સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોની હસ્તકલાની વસ્તુઓ, હેન્ડલૂમ અને વિવિધ આર્ટિફેક્ટ્સ અહીં ખરીદી શકાશે. ખાણીપીણી માટે 12 ફૂડ સ્ટોલ પણ છે. બાળકો માટે વિવિધ રાઇડ્સ રાખવામાં આવી છે. નવી પેઢીને પરંપરાગત દેશી રમતોનો પરિચય કરાવવા વિસરાતી જતી રમતોનું પણ આયોજન કરાયું છે.

વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એન.એફ. ચૌધરીએ જણાવ્યું કે મેળાનો હેતુ સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને વેચાણ માટે મંચ આપવાનો, રોજગારીની તકો ઊભી કરવાનો અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. તેમના જણાવ્યા મુજબ, આ આયોજનથી સ્થાનિક ઉત્પાદનોને બજાર મળશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.

મેળો દરરોજ સવારે 11થી રાત્રે 11 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. નગરજનોને પરિવાર સાથે મેળાની મુલાકાત લેવા, સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ છે.