પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તારીખ 20થી 24 નવેમ્બર દરમિયાન યોજાયેલો 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો શ્રદ્ધા, ભક્તિ, લોકસંસ્કૃતિ અને મનોરંજનના સંગમ સાથે સંપન્ન થયો છે.
પાંચ દિવસ દરમિયાન 8 લાખથી વધુ ભાવિકો અને સહેલાણીઓએ મેળાની મુલાકાત લઈ વિવિધ આકર્ષણોનો આનંદ માણ્યો હતો. મેળાના અંતિમ દિવસે જ અંદાજે 1.75 લાખ સહેલાણીઓ ઉમટી પડતાં સમગ્ર પરિસર માનવ મહેરામણથી ઉભરાયું હતું.

સોમનાથની પાવન ભૂમિ પર વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો છેલ્લા 71 વર્ષથી અવિરત પરંપરા સાથે યોજાઈ રહ્યો છે. આજે આ મેળો ધાર્મિક આસ્થા ઉપરાંત સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને સામાજિક સમન્વયનું વિશિષ્ટ કેન્દ્ર બન્યો છે.

મેળાના પાંચમા અને અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકસાહિત્યકાર માયા આહીર અને લોકગાયક કીર્તિદાન ગઢવીની જુગલબંદીએ રંગત જમાવી હતી. કીર્તિદાન ગઢવીએ ભગવાન શિવ અને કૃષ્ણનાં ભજનો તથા લોકગીતો રજૂ કરી શ્રોતાઓને ઝૂમાવ્યા હતા. બીજી તરફ માયા આહીરે લોકસાહિત્યની વાતો અને રમૂજી પ્રસંગો રજૂ કરી ઉપસ્થિત હજારો શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં લોકસંસ્કૃતિનો માહોલ જામ્યો હતો.

આ વર્ષે મેળાનું વિશેષ આકર્ષણ છેલ્લા 3 વર્ષ બાદ ફરી શરૂ થયેલી મોટી રાઇડ્સ રહી હતી. મિક્સર, સુનામી, વિશાળ ચકડોળ અને મોતનો કૂવો સહિતની રોમાંચક રાઇડ્સમાં બાળકોથી લઈને મોટેરાંઓએ સહપરિવાર આનંદ માણ્યો હતો. આ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ્સ અને વિવિધ હસ્તકલા પ્રદર્શનોએ પણ મેળાની રોનક વધારી હતી.

