ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૂવાપરી રોડ ખેડૂતવાસના એક મકાનમાં દરોડો પાડી ₹2,93,800 ની કિંમતનો વિદેશી દારૂ, બિયરના મોટા જથ્થા સાથે શખસને ઝડપી લઈ પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સ પાસેથી દારૂ-બિયરનો જથ્થો લાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે બન્ને શખસ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

રીધમ નામના શખસના ઘરે પોલીસના દરોડા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરના શીશુવિહાર સર્કલ નજીક પ્રોહિબિશન કેસ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. આ સમયે બાતમી મળી કે, રૂવાપરી રોડ પર રહેતો રીધમ ધરમશીભાઈ મકવાણા (ઉં.વ.21) તેના મકાનમાં વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો રાખે છે. જે બાદ શખસના મકાન પર દરોડો પાડ્યો હતો.
દારૂ-બિયર સહિત 2.93 લાખનો મુદ્દામાલ જપ્ત જ્યાં રૂમમાં અને સેટીની અંદર છુપાવી રાખેલી વિદેશી દારૂની નાની-મોટી બોટલો, ચપલા તથા બીયરના ટીન મળી 800 નંગ મળી આવતા શખસની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ₹ 2,93,800નો મુદામાલ જપ્ત કરી શખસની પૂછપરછ કરતા તેણે આ જથ્થો મહેશ શીયાળ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

