Gujarat

સગીરાને ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી

ભાવનગરના મહુવા ગ્રામ્ય પોલીસ મથકે ચાલુ વર્ષે 17 વર્ષની સગીરા સાથે જાતીય શોષણનો ગુન્હો નોંધાયો હતો. આ કેસમાં પીડિતાએ તેના પિતા મારફતે ભારતીય બંધારણ અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાતની મંજૂરી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

અરજી વખતે પીડિતા આશરે 23 અઠવાડિયા અને 4 દિવસની ગર્ભાવસ્થા ધરાવતી હતી. કોર્ટના આદેશથી સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગરના તબીબોની પેનલ દ્વારા પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ બોર્ડે અભિપ્રાય આપ્યો કે ગર્ભપાત કરાવવો તબીબી રીતે શક્ય છે અને MTP એક્ટ હેઠળ પીડિતા તથા તેના વાલીની સંમતિથી ગર્ભપાત કરી શકાય છે. પીડિતા અને તેના પિતા ગર્ભપાતની પ્રક્રિયાનું જોખમ ઉઠાવવા માટે તૈયાર હતા.

તબીબી અભિપ્રાય બાદ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી હાઈકોર્ટે કોર્ટે નોંધ્યું હતું કે સગીરા પર થયેલા દુષ્કર્મ બાદ ગર્ભ ચાલુ રાખવો એ તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સ્વમાનપૂર્વક જીવવાનો અધિકાર એ માનવ અધિકાર છે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ મહિલાને તેના શરીર પર પૂર્ણ અધિકાર છે અને દુષ્કર્મ પીડિતાને ગર્ભ ધારણ કરવા મજબૂર કરવી એ તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.