Gujarat

જામનગર શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરાના 2 સહિત હાલારમાં 3 કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત્ હાલારમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસથી આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.શહેરના વોર્ડ નં. 6ના જુદા જુદા બે વિસ્તારમાં રહેતા 11 માસ અને 2 વર્ષના માસુમ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા જી.જી. હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સઘન તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

જયારે દેવભૂમિ દ્વારકા પંથકના પણ એક 6 વર્ષીય બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણોના પગલે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.શંકાસ્પદ ત્રણેય દર્દીના લોહી સહિતના નમૂનાઓ લઇ તબીબો દ્વારા ગાંધીનગર સ્થિત લેબમાં પૃથ્થકરણ અર્થે મોકલાયા છે.જેનો રીપોર્ટ આગામી સપ્તાહે આવશે.

જામનગર શહેરમાં ફરી એકવાર રહસ્યમય વાયરસનો પગરવ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.વોર્ડ નં. 6ના દિગ્જામ સર્કલ અને બેડી રીંગ રોડ વિસ્તારમાં રહેતા અગીયાર માસ અને બે વર્ષીય બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાઇ આવ્યા હતા.

બંને બાળકોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક અસરથી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં અલાયદા વોર્ડમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબોના જણાવ્યા અનુસાર, બાળકોના લોહી સહિતના જરૂરી નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે ગાંધીનગરની સ્પેશિયલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.જેના રીપોર્ટ આગામી સપ્તાહે આવશે. જે બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.