Gujarat

જામનગરમાં કોંગ્રેસની રેલીને મંજૂરી ન મળતાં કાર્યકરોનો હોબાળો

કોંગ્રેસ દ્વારા જામનગરમાં ‘મત બચાવો, દેશ બચાવો’ જનજાગૃતિ અભિયાન હેઠળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. પોલીસે આ રેલીની મંજૂરી રદ કરતા શહેરમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થયેલા કાર્યકરોએ વિરોધ દર્શાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસ કાર્યાલય અને કલેક્ટર કચેરી તરફના માર્ગો પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસને ચકમો આપી ગલીઓમાંથી રેલી યોજાઈ કોંગ્રેસના આગેવાનોએ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવાનું આયોજન કર્યું હતું. પોલીસે કાર્યાલય બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતાં શહેર પ્રમુખ સહિતના કાર્યકરોએ પોલીસને ચકમો આપ્યો હતો. કાર્યકરો ગલીઓમાંથી રેલી લઈને આગળ વધી ગયા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ચોર-પોલીસ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘર્ષણ અને દોડધામ વચ્ચે માહોલ વધુ ગરમ બન્યો હતો.

કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસ કાફલો ગોઠવાયો આ ઘટના બાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર LCB અને SOG સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમે આક્ષેપ કર્યો કે, પોલીસ ભાજપની રક્ષક બની ગઈ છે અને લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે પોલીસ કાર્યવાહીની સખત શબ્દોમાં ટીકા કરી હતી. કાર્યાલય બહાર ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.