Gujarat

નકલી વેપારી, આંગડિયા પેઢીના કર્મચારીનું બનીને ગુજરાત અને મુંબઈના વેપારીઓને લૂંટતા બે વ્યક્તિને અમદાવાદ પોલીસે ભુજથી ઝડપી પાડ્યા

ગુજરાત અને મુંબઈના વેપારીઓને ઠગતા લોકોને ઝડપી પાડવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે જેમાં, ૩૬ વર્ષીય જગદીશ ઠક્કર અને તેના સાથીદાર ૩૭ વર્ષીય મુકેશ સોરઠીયાની પોલીસે ભુજ ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, છેલ્લા ૭ વર્ષમાં આ બન્ને વ્યક્તિઓ દ્વારા અનેક વેપારીઓ પાસેથી એક કરોડ રૂપિયાથી પણ વધુનો માલ અને રોકડ પડાવી લીધી હતી. પોલીસે હાલ આરોપી પાસેથી રોકડ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરના ગીતામંદિર વિસ્તારના મોબાઈલ એસેસરીઝના બે વેપારીઓ દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આંગડિયા પેઢીના નામે થયેલી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી તે બાદ વડોદરાના પણ એક વેપારીએ પોતાની સાથે થયેલી આજ પ્રકારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ બંને ઘટનાઓ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ભુજથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

ધરપકડ બાદ પોલીસ તપાસમાં હકીકત બહાર આવી હતી કે, આરોપી જગદીશ ગૂગલ કે યુટ્યુબ પરથી જથ્થાબંધ વેપારીઓના નંબર મેળવીને તેમની પાસે ઓનલાઈન ફોટા મંગાવતો અને બિલ બનાવડાવતો. જેમાં આરોપી વેપારીને કહેતો કે તેણે બિલ કરતાં ૧૦થી ૧૫ હજાર રૂપિયા વધારે આંગડિયામાં જમા કરાવ્યા છે. આ જ સમયે તેનો મિત્ર મુકેશ આંગડિયા પેઢીનો કર્મચારી બનીને ફોન કરતો અને બોગસ ટોકન નંબર આપીને સવારે પૈસા લઈ જવા કહેતો. ત્યારબાદ જગદીશ ફરી ફોન કરીને વેપારીને વિનંતી કરતો કે તેણે જે વધારાના ૧૦-૧૫ હજાર મોકલ્યા છે, તે અન્ય વેપારીને આપવાના હોવાથી તેને ક્યૂઆર કોડ પર તાત્કાલિક ટ્રાન્સફર કરી દઉં, જેથી વેપારી વિશ્વાસમાં આવી છેતરપિંડીનો ભોગ બનતા અને પછી રૂપિયા ગુમાવતા હતા.

વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી જગદીશ અગાઉ મુંબઈમાં રહેતો હતો અને ત્યાં જ તેણે આ પ્રકારની ઠગાઈ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. મુંબઈમાં પણ તેણે આ જ રીતે આશરે એક કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની સ્વીકાર્યું છે. આ બંને ઠગે માત્ર મોબાઈલ એસેસરીઝ જ નહીં, પરંતુ કાજુ-બદામ, ઘડિયાળ, કપડાં, કટલેરી, પાકીટ, બેલ્ટ, ખારીસિંગ અને મરચાં સહિતની અનેક ચીજવસ્તુઓના વેપારીઓને પોતાની છેતરપિંડીનો ભોગ બનાવ્યા છે. આ બંને ઠગ છેલ્લા સાત વર્ષથી આ જ રીતે પ્લાનિંગ કરીને ગુજરાતના અલગ-અલગ શહેરોના વેપારીઓને શિકાર બનાવતા હતા. તેઓ એક જ વેપારી પાસેથી મોટી રકમ પડાવવાને બદલે માત્ર ૧૦થી ૧૫ હજાર રૂપિયાની જ છેતરપિંડી કરતા હતા. રકમ નાની હોવાને કારણે મોટાભાગના વેપારીઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હતા, જેનો સીધો ફાયદો આ ઠગને મળતો રહ્યો અને ઘણાં સમય સુધી પોલીસની નજરથી બચતા રહ્યા.