Gujarat

જી.જી.માં બીજુ MRI મશીન બે‎મહિનામાં કાર્યરત કરવામાં આવશે‎

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજયમાં બીજા નંબરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રોજના સરેરાશ સાડા ત્રણ હજાર દર્દીઓ આવે છે. આ ઘસારાને પહોચી વળવા સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે ત્યારે હાલ જી.જી. હોસ્પિટલમાં એક જ એમઆરઆઇ મશીન કાર્યરત છે, જેના કારણે દર્દીઓના વેઇટીંગનું લીસ્ટ લાંબુ થતું જાય છે, અહીં ઇમરજન્સી ન હોય તો દર્દીઓનો વારો દોઢ કે બે મહીને આવે છે, આને પહોચી વળવા હવે જયારે સરકારે બીજુ એમઆરઆઇ મશીન આપ્યું છે ત્યારે તેના માટે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે જગ્યા નકકી કરી નાખી છે

આગામી બે મહિનામાં આ મશીન કાર્યરત થઇ જતાં એક મશીન પર આવેલ ભારણ અને દર્દીઓની સુવિધામાં વધારો થશે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેડીયોલોજી વિભાગ હસ્તક આવતા એમઆરઆઇ મશીન પર કામનું ભારણ ખૂબ જ રહે છે, અહીં દોઢથી બે મહિનાનું વેઇટીગ હોય છે, મશીન સતત ચાલવાથી તેના ઉપર ભારણ આવે છે.

આ માટે સરકાર દ્વારા જી.જી. હોસ્પિટલને બીજુ એમઆરઆઇ મશીન ફાળવ્યું તેના માટે જગ્યા નકકી ન થતી હતી, પરંતુ તાજેતરમાં નવા આવેલા સુપ્રિટેન્ડન્ટ ડો. વિજય પોપટે દર્દીઓને પડતી હાલાકી માટે તાત્કાલિક નિર્ણય લઇ એમઆરઆઇની જગ્યા નર્સિગ કોલેજના ગ્રાઉન્ડ ફલોરમાં નકકી કરવામાં આવી છે, જેનું કામ પણ ચાલુ થઇ ગયું છે અને આગામી બે મહિનામાં આ એમઆરઆઇ મશીન ત્યાં લાગી જશે અને શરૂ પણ થઇ જશે જેથી દર્દીઓને ભારે સુવિધા થશે.