Gujarat

નારી શક્તિ વંદન બિલ રોકાતા ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રિય રાજ્યમંત્રી રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલ મુદ્દે કોંગ્રેસ અને INDI ગઠબંધન પર તીખા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી

રક્ષા ખડસેએ જણાવ્યું કે, મહિલાઓને ૩૩ ટકા અનામત આપતું આ ઐતિહાસિક બિલ લોકસભામાં પસાર થતું અટકાવી કોંગ્રેસે દેશની નારી શક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. તેમણે ઉમેર્યું કે બિલમાં સીમાકંન પછી અમલની સ્પષ્ટ જાેગવાઈ હોવા છતાં કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી છે.

મહિલાઓ આ બાબતે આગામી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસની “બે મોઢાની રાજનીતિ” પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, એક તરફ મહિલાઓના હિતની વાતો અને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમયે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ બિલ માત્ર કાયદો નહીં પરંતુ, દેશની અડધી વસ્તી માટે સશક્તિકરણનો ઐતિહાસિક અવસર હતો, જેને કોંગ્રેસે નકારાત્મક રાજનીતિથી રોકી દીધો. આ સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મહિલાઓ આ બાબતે આવનારી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશે.

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સંસદમાં બનેલી ઘટના માત્ર એક બિલની હાર નથી પરંતુ, દેશની કરોડો માતા-બહેનોના સપનાઓ પર સીધો પ્રહાર છે. તેમણે કોંગ્રેસ પર પરિવારવાદી રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે, સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ આગળ વધે તે કોંગ્રેસને સ્વીકાર્ય નથી.

મહિલાઓને તેમના અધિકારો આપવા માટેની લડત ચાલુ રહેશે

પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાઓએ દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ‘લખપતિ દીદી’ જેવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ૫૦ ટકા સુધી મહિલાઓને આરક્ષણ આપવામાં આવ્યું છે પરંતુ, સંસદ અને વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ આપવાનો માર્ગ કોંગ્રેસે અટકાવ્યો છે.

અંતમાં ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, મહિલાઓને તેમના અધિકારો આપવા માટેની લડત ચાલુ રહેશે અને ભવિષ્યમાં ફરીથી આ દિશામાં પ્રયાસો કરવામાં આવશે.