Gujarat

ઝરપણ ટોલટેક્સ નજીકથી રૂ. 34.69 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માંડવી તાલુકાના ઝરપણ ટોલટેક્સ નજીકથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચોખાના ભુસાની આડમાં લઈ જવાતો રૂ. 34.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં એક આઈસર ટેમ્પો અને દારૂ સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCBને ગુપ્ત બાતમી મળી હતી કે વલસાડના નાનાપોંઢાથી ધરમપુર-વાંસદા થઈને એક આઈસર ટેમ્પો (નંબર GJ-15-AT-7590) માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને આણંદ તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે LCBની ટીમે ઝરપણ ગામની સીમમાં આવેલા ટોલટેક્સ પાસે સઘન નાકાબંધી ગોઠવી હતી.

બાતમી મુજબનો ટેમ્પો આવતા જ પોલીસે તેને રોક્યો અને તેની તલાશી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ટેમ્પોના ઉપરના ભાગે ચોખાના ભુસાની બોરીઓ ભરેલી જોવા મળી હતી. જોકે, પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બોરીઓની નીચેથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો ભરેલી પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો, આઈસર ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 34,69,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ટેમ્પો ચાલક ધર્મેન્દ્ર વર્મા અને ક્લીનર બ્રિજેશ વર્મા (બંને રહે. ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.