મહેસાણાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. વડનગર તાલુકાના સુલીપુર ગામે દરોડો પાડીને પોલીસે ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શેરબજારમાં રોકાણ પર મોટો નફો આપવાની લાલચ આપતા એલસીબી ટીમને સુલીપુર ગામે મુકેશજી દુધાજી ઠાકોરના મકાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ શેરબજારમાં રોકાણ પર મોટો નફો આપવાની લાલચ આપી લોકો સાથે ફ્રોડ કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડીને સ્થળ પરથી રાહુલજી દિનેશજી ઠાકોર (રહે. સુલતાનપુર, વડનગર), અરવિંદજી ગાંડાજી ઠાકોર (રહે. ગોઠવા, વિસનગર) અને રામાજી લવજીજી ઠાકોર (રહે. છાબલીયા, વડનગર) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર મુકેશજી દુધાજી ઠાકોર (રહે. સુલીપુર) પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
4,25,000નો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી રૂ.1 લાખની કિંમતના 5 એન્ડ્રોઇડ મોબાઇલ, રૂ. 25 હજારનું 1 લેપટોપ, રૂ. 3 લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને રેન્ડમ મોબાઇલ નંબર લખેલા કાગળો મળી કુલ રૂ. 4,25,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

