Gujarat

નવરાત્રીમાં ગરબા પાર્કિંગમાંથી વાહનો ચોરતી ગેંગનો પર્દાફાશ

મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં નવરાત્રીના તહેવારો દરમિયાન વાહન ચોરી કરતી એક સક્રિય ટોળકીનો મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગરબા મહોત્સવના પાર્કિંગ તેમજ રહેણાંક મકાનો આગળથી ચોરાયેલા ત્રણ ટુ-વ્હીલર્સ સાથે એલસીબીની ટીમે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોયલ એનફીલ્ડ બુલેટ, ટીવીએસ જ્યુપીટર અને સ્પ્લેન્ડર બાઇક સહિત કુલ ₹1,75,000નો મુદ્દામાલ જપ્ત કરી કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ત્રણ ગુનાઓનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.

બાતમીના આધારે જાસલપુર રોડ પર છાપો LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ PSI એ.ડી. કાકરેચા અને તેમની ટીમ કડી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી અને જોરાજી કડવાજીને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીના વાહનો સાથે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં છુપાયેલા છે.

બાતમીના આધારે પોલીસે જાસલપુરથી કડી જતા રોડ પર બાવળની ઝાડીઓમાં દરોડો પાડીને નંબર પ્લેટ વગરના ત્રણ વાહનો સાથે બે શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 23 વર્ષીય નાસીરખાંન અમીરઉલ્લાખાંન પઠાણ અને 21 વર્ષીય સાહીલ મહેબુબસા અબ્દાલનો સમાવેશ થાય છે.