જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોના અસરકારક અમલ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. સિંગલના માર્ગદર્શન હેઠળ કામગીરી કરે છે.
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર શહેરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની મદદથી તા. 1 થી 15 જુલાઈ 2026 દરમિયાન મોટર વાહન અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કુલ 1,722 ઈ-ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. તેમાં વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાના 725 રોંગ સાઈડ (વન-વે)માં વાહન ચલાવવાના 196, ત્રિપલ સવારીના 632, આરટીઓ માન્ય નંબર પ્લેટ વગર (ફેન્સી નંબર પ્લેટ) વાહન ચલાવવાના 149, સીટબેલ્ટ ન પહેરવાના 11 તથા અન્ય પ્રકારના 9 ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું છે કે તમામ ઈ-ચલણ સ્પીડ પોસ્ટ મારફતે વાહન માલિકના આરટીઓમાં નોંધાયેલા સરનામે મોકલવામાં આવી રહ્યા છે. ઈ-ચલણની ભરપાઈ પરિહવન વિભાગની વેબસાઇટ, ગૂગલ પે અથવા ફોનપે જેવા ડિજિટલ માધ્યમથી તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ જઈને પણ ભરી શકાય છે. ઈ-ચલણની ભરપાઈ 90 દિવસની સમયમર્યાદામાં કરવી ફરજિયાત છે. સમયમર્યાદા બાદ ભરપાઈ વર્ચ્યુઅલ કોર્ટ મારફતે કરવાની રહેશે.
આ કામગીરીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ માર્ગ અકસ્માતો અટકાવી નાગરિકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેથી તમામ વાહનચાલકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો છે.

