રાજયના અન્ય મહાનગરોની જેમ જામનગરમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી ટુર સાથે નોકરી-ધંધા કે અભ્યાસઅર્થે જતા વર્ગમાં જોવા મળી રહયો છે. જે સાથે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનો વ્યાપ પણ હવે વધતો જોવા મળી રહયો છે. જામનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં 1,758 લોકોએ ઇન્ટરનેશનલ પરમીટ(લાયસન્સ) કઢાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વના લગભગ અડધાથી પણ વધુ દેશોમાં આ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ(લાયસન્સ) એટલે કે આઇડીપી માન્ય રહે છે.
જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વાહન વ્યવહાર અને ડ્રાઇવિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને વિદેશ અભ્યાસ, નોકરી કે પ્રવાસ અર્થે જતા નાગરિકોની સંખ્યા વધી રહી છે, જેનો ચિતાર ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ (IDP)ના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
જામનગર આરટીઓ કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1,758 લોકોને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.બીજી તરફ, જિલ્લામાં સ્થાનિક સ્તરે વાહન ચાલકોની સંખ્યામાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન જામનગરમાં 41,253 નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે શહેરમાં નવા વાહનચાલકોની સંખ્યા સતત વધી રહી છે.

