રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ મજૂરોના લઘુત્તમ વેતન દરો અંગે નવો પરિપત્ર જાહેર કર્યો છે, પરંતુ તેમાં વેતનમાં કોઈ નવો વધારો કરવામાં આવ્યો નથી. શ્રમ આયુક્ત કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં અગાઉ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેલા લઘુત્તમ વેતનના દરોને જ નવા સમયગાળા માટે યથાવત્ રાખવામાં આવ્યા છે. આથી, ઓક્ટોબરથી કોન્ટ્રાક્ટ મજૂરોના દૈનિક વેતનમાં કોઈ સુધારો થશે નહીં.
અગાઉના જ દરો નવા સમયગાળા માટે લાગુ કરાયા કોન્ટ્રાક્ટ મજૂર (નિયમન અને નાબૂદી) અધિનિયમ, 1970 તથા ગુજરાતના નિયમો હેઠળ કોન્ટ્રાક્ટરોએ સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ વેતન કરતાં ઓછું વેતન આપવાનું હોતું નથી. સરકારે એપ્રિલથી સપ્ટેમ્બર, 2026 માટે જે દર નક્કી કર્યા હતા, તે જ દરોને હવે ઓક્ટોબર, 2026થી આગળના સમયગાળા માટે પણ જારી રાખવાનો નિર્ણય કર્યો છે.
પરિપત્રમાં દર્શાવ્યા મુજબ ઝોન-1માં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 હેઠળની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિસ્તારો, ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 હેઠળની નગરપાલિકાઓ તેમજ સંબંધિત શહેરી વિકાસ સત્તામંડળ (Urban Development Authorities) ની હદમાં આવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

