જામનગર જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ માટે આંદોલન તેજ કર્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહવાન પર આજે 260 કર્મચારીઓ એક દિવસીય ‘માસ સીએલ’ પર ઉતર્યા. આ કારણે સરકારી કામગીરી ઠપ થઈ ગઈ હતી.
કર્મચારીઓ બદલી, બઢતી અને સિનિયોરિટી સહિતની 14 જેટલી માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે પ્લેકાર્ડ સાથે ધરણા પર બેસીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી જતાં મામલતદાર, પ્રાંત અને જિલ્લા કલેક્ટર કચેરીમાં કામકાજ પર અસર પડી. જનસેવા કેન્દ્રો, ઈ-ધરાની નોંધણી, જમીન દસ્તાવેજો અને મતદારયાદી સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ. અરજદારોને મુશ્કેલી પડી હતી.
જામનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના મંત્રી રમેશભાઈ બંધિયાએ જણાવ્યું કે, એક વર્ષથી રજૂઆતો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. જો સરકાર હકારાત્મક વલણ નહીં અપનાવે તો 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળ પાડવામાં આવશે.

